- પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન પાણીગેટની મોટી ચીફવાડના 38 વર્ષીય ઓળખ ભાવેશ જેસીંગભાઈ મકવાણા તરીકે થઈ, મોતનું કારણ જાણવા મૃતદેહ SSG હોસ્પિટલ ખસેડાયો
વડોદરાના દંતેશ્વરમાં આવેલા તળાવમાંથી વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સવારના સમયે તળાવ નજીકથી પસાર થતાં સ્થાનિક રહીશની નજર પાણીમાં તરતા મૃતદેહ પર પડી હતી. આ દ્રશ્ય જોઈને તેને તાત્કાલિક સ્થાનિકોને એકઠા કર્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ તળાવના ઊંડા પાણીમાંથી ભારે જહમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ભાવેશ જેસીંગભાઈ મકવાણા તરીકે થઈ છે, જેની ઉંમર આશરે 38 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી મોટી ચીફવાડ, ખત્રીપોળ ખાતે રહેતો હતો. યુવકના મોતથી પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મકરપુરા પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને યુવકના મોતનું સાચું કારણ જાણી શકાય તે અર્થે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરી હતી. આ યુવકે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે કે પછી અકસ્માતે તળાવમાં પડી જવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. આ ઉપરાંત, આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે તમામ પાસાઓ પર મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.


