ચાપડ ગામમાં વરસાદી કાંસમાં મગરે હુમલો કરતા ભેંસનો પગ કપાયો, 1 કલાકની જહેમતે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી

ગઈકાલે સાંજે આશરે 4.30 વાગ્યાના અરસામાં એક ભેંસ વરસાદી કાંસમાં પડી ગઈ હતી

MailVadodara.com - A-buffalo-lost-its-leg-after-being-attacked-by-a-crocodile-in-a-rainwater-drain-in-Chapad-village-the-fire-brigade-rescued-it-after-an-hour-long-effort

- મગરે ભેંસનો પગ પકડી બચકા ભરતાં પગમાં ગંભીર ઈજા પહોંચી હતી

- ફાયર બ્રિગેડે અવાજ કરી મગરને ભેંસથી દૂર ખસેડ્યો અને ભેંસનું રેસક્યુ કરી પશુ દવાખાને સારવાર માટે ખસેડી

વડોદરા નજીક ચાપડ ગામમાં વરસાદી કાંસમાં પડેલી ભેંસ પર મગરે હુમલો કર્યો હતો. જેમાં ભેંસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને ભેંસનો પગ કપાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મગરને દૂર ખસેડી આશરે એક કલાકની જહેમત બાદ ભેંસનું રેસ્ક્યુ કર્યું હતું. મગરના હુમલામાં ભેંસના પગમાં ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે પશુ દવાખાને ખસેડવામાં આવી હતી.


વડોદરા પાસે આવેલ ચાપડ ગામ નજીક ગઈકાલે સાંજે આશરે 4.30 વાગ્યાના અરસામાં એક ભેંસ વરસાદી કાંસમાં પડી ગઈ હતી. ભેંસ પાણીમાં ફસાયા બાદ નજીકમાં રહેલા મગરે તેના પર હુમલો કર્યો હતો. મગરે ભેંસનો પગ પકડી વારંવાર બચકા ભરતાં તેના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તે સમયે ભેંસ પાણીમાં હતી અને મગર પણ નજીકમાં લપાઈને બેઠો હતો. પાણીનું સ્તર ઓછું હોવાથી ફાયર ફાઈટર નંદકિશોર સોલંકી સહિતના બે જવાનો જરૂરી સુરક્ષા તકેદારી સાથે જીવના જોખમે પાણીમાં ઉતર્યા હતા.

ફાયરબ્રિગેડની ટીમે લાકડીઓ અને આંકડાની મદદથી અવાજ કરી મગરને ભેંસથી દૂર ખસેડ્યો હતો. ત્યારબાદ ભારે જહેમત બાદ ભેંસને પાણીની કાંસમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. મગરના હુમલામાં ભેંસના એક પગમાં ગંભીર ઈજા થઈ હતી. રેસ્ક્યુ બાદ ભેંસને ટેમ્પો મારફતે તાત્કાલિક પશુ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. વાસણા ફાયર બ્રિગેડની ટીમે જોખમ વચ્ચે સમયસૂચકતા અને તકેદારી દાખવી ભેંસનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

Share :

Leave a Comments