- સાંજના સમયે મોર આંબલી ગામના જાદવ સુરેશભાઈની પત્ની દક્ષાબેન વાસણ ધોઈ રહ્યા હતા તે દરમિયાન બે વર્ષની પુત્રી હેતુ જાદવ પાસે દીપડો બિલાડીના પગલે આવી પહોંચ્યો હતો
- માતાએ દીપડાને જોઈ લેતાં સતર્ક થઈ બાળકીનો બચાવ કર્યો હતો, ઘટનાની જાણ થતાં ગ્રામજનો બેટરી અને મોબાઇલના અજવાળે દીપડાની શોધખોળમાં નીકળી પડ્યા હતા
સાવલીના પરથમપુરા (સિહોરા) પંથકમાં છેલ્લા બે દિવસથી દીપડાની અવરજવર વધતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગતરાત્રે મોર આંબલી ગામમાં આશરે બે વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે બાળકીની માતાની સતર્કતાને કારણે દીપડાનો હુમલો નિષ્ફળ ગયો હતો. મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ મોર આંબલી ગામના જાદવ સુરેશભાઈ ભુપતભાઈની પત્ની દક્ષા સાંજના સમયે વાસણ ધોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની આશરે બે વર્ષની પુત્રી હેતુ જાદવ પાસે દીપડો બિલાડીના પગલે આવી પહોંચ્યો હતો. દીપડાએ બાળકી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માતાએ સમયસર દીપડાને જોઈ લેતાં સતર્ક થઈ બાળકીનો બચાવ કર્યો હતો. ઘટનાની જાણ સમગ્ર પંથકમાં થતાં ગ્રામજનો બેટરી અને મોબાઇલના અજવાળે દીપડાની શોધખોળ માટે નીકળી પડ્યા હતા. કોતર વિસ્તારમાં પણ દીપડો દેખાતા ભય વધુ ફેલાયો છે. ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનો લાકડીઓ સાથે દીપડાની શોધખોળ કરી રહ્યા છે. વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચે. દીપડાની હિલચાલ પર નજર રાખે.
પાંજરું ગોઠવી તેને ઝડપી લે. તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. ખાસ કરીને નાના બાળકોને એકલા બહાર ન મોકલવા અને ગ્રામજનોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આથી ચિંતા સતત વધી છે.


