સયાજી હોસ્પિટલમાં અદ્યતન લેસર સુવિધા શરૂ, ટેટૂ અને લાખું દૂર કરવા માટે દર્દીઓને ફ્રી સારવારની સુવિધા મળશે

MGVCL દ્વારા તેમની CSR યોજના અંતર્ગત સ્કીન વિભાગને લેસર મશીન દાનમાં અપાયું

MailVadodara.com - Sayaji-Hospital-to-launch-advanced-laser-facility-patients-will-get-free-treatment-for-tattoo-and-nail-polish-removal

- લેસર ટ્રીટમેન્ટથી સ્વસ્થ ચામડીને કોઈ નુકસાન નહીં થાય, ચહેરા કે શરીરના દેખાતા ભાગો દૂર થઈ શકશે

- ખાનગી હોસ્પિટલોમાં આવી એક સેશનનો ખર્ચ 20થી 50 હજારનો થાય છે

વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલના ચામડી વિભાગમાં હવે ચામડી પરના ડાઘ, લાખું (બર્થમાર્ક) અને ટેટૂ દૂર કરવા માટે અત્યાધુનિક Q-Switched NdYAG લેસર સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. આ લેસર મશીનની અંદાજિત કિંમત લગભગ 28 લાખ રૂપિયા છે અને તે મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા તેમની CSR યોજના અંતર્ગત SSG હોસ્પિટલના સ્કીન વિભાગને દાનમાં આપવામાં આવ્યું છે. જેમાં ડર્માચેર સહિતના સાધનોનો પણ સમાવેશ થાય છે.


આ અદ્યતન લેસર ટેક્નોલોજી ચામડીના રંગકણો અથવા લોહીના કણોને ચોક્કસ રીતે નિશાન બનાવીને તેને તોડી નાખે છે, જ્યારે આસપાસની સ્વસ્થ ચામડીને કોઈ નુકસાન નથી પહોંચાડતી. ખાસ કરીને કાળા-ભૂરા લાખું, ટેટૂ અને અન્ય ડાઘ દૂર કરવામાં આ સારવાર અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે.

ઘણા લોકો માટે ચહેરા કે શરીરના દેખાતા ભાગો પરનું લાખું કે ટેટૂ સામાજિક અસ્વસ્થતા, શરમ અને માનસિક તણાવનું કારણ બને છે. ખાસ કરીને શાળા-કોલેજમાં ભણતા કિશોર-કિશોરીઓ માટે આવા ડાઘ માનસિક આઘાત પેદા કરી શકે છે. આ ઉપરાંત, કેટલાક યુવાનો ફેશન, યાદગાર કે ધાર્મિક કારણોસર ટેટૂ કઢાવે છે, પરંતુ પછીથી આર્મી, પોલીસ, અન્ય સિવિલ સર્વિસિસ કે સરકારી નોકરીમાં ભરતી માટે તે અડચણરૂપ બને છે. આવા દર્દીઓ માટે આ લેસર સારવાર એક આશીર્વાદ સમાન છે.

ખાનગી હોસ્પિટલોમાં આવી એક સેશનનો ખર્ચ રૂ. 20થી 50 હજારનો થાય છે જે ડાઘના કદ અને ઊંડાઈ પર આધાર રાખે છે. પરંતુ SSG હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ થવાથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને આ મોંઘી સારવાર મફતમાં મળી શકશે, જેનાથી હજારો લોકોને લાભ થશે.

સારવારના મુખ્ય ફાયદા

- ભારતીય ત્વચા પ્રકાર માટે સલામત અને અસરકારક

- કોઈ સર્જરી કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

- દર્દી ઓપીડીમાં સારવાર લઈને તરત જ રોજિંદા કામકાજમાં પરત ફરી શકે છે

- ડાઘની તીવ્રતા અનુસાર સામાન્ય રીતે 6 થી 12 સેશન (3 કે 4 અઠવાડિયાના અંતરે) જરૂરી પડે છે

Share :

Leave a Comments