- વિજયનગર સોસાયટી નાકે બગીચા પાસે મૂકેલી કચરાપેટીમાં અને તેની બહાર આજુબાજુની સોસાયટીના રહીશોએ નાખેલા કચરાની યોગ્ય સફાઈના અભાવે આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીમાં 400 જેટલા મકાનો છે. નજીકમાં જ બગીચો આવેલો છે. ઉપરાંત આજુબાજુની સોસાયટીના રહીશો પણ વિજયનગરના નાકે આવેલી કચરાપેટી પાસે કચરો નાખી જાય છે. યોગ્ય સફાઈના અભાવે આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્માર્ટ સિટીની વાતો કરતા તંત્રના કેટલાય સત્તાધીશો આ વિસ્તારમાં રહેતા હોવા છતાં આ ખાડા કાન કરે છે. વારંવાર રજૂઆત છતાં બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી. લોકોએ આજે કચરાપેટીની બાજુમાં નંખાયેલા કચરામાં બેસીને અનોખા વિરોધ સાથે સૂત્રોચ્ચાર સાથે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો.

વડોદરાએ હવે સ્માર્ટ સિટી તરફ દોડ લગાવી છે ત્યારે હજી પણ ઘણા ખરા વિસ્તારોમાં યોગ્ય સફાઈ થતી નહીં હોવાની તંત્ર સમક્ષ કાયમી ફરિયાદો આવે છે. દરમિયાન મકરપુરા, તરસાલી વિસ્તારની વિજયનગર સોસાયટી ખૂબ જૂની છે. જ્યારે આ સોસાયટીની આજુબાજુના વિસ્તારનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. વિજયનગરની બાજુમાં તંત્ર દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે. પરંતુ કચરાપેટીની સફાઈ કાયમી ધોરણે થતી નહિ હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. જ્યારે આજુબાજુની સોસાયટીવાળા પણ અહીં કચરો નાખી જાય છે.
વિજયનગરની બાજુમાં જ બગીચો આવેલો છે જ્યાં સાંજે આવતા સહેલાણીઓ ગંદકીની બદબુના કારણે દિન પ્રતિદિન ઓછા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળાની વીતી સેવાય રહી છે. તરસાલી વિસ્તારમાં પાલિકાના અનેક અધિકારીઓ પદાધિકારીઓ વસે છે છતાં પણ આ વિસ્તારની સફાઈ અંગે કોઈના પેટનું પાણી હાલતું નથી. દરમિયાન વિજયનગર સોસાયટીના સ્થાનિકોએ એકત્ર થઈને સોસાયટીના નાકે આવેલી કચરાપેટીની બાજુમાં નંખાયેલા કચરામાં બેસીને તંત્ર સમક્ષ અનોખો વિરોધ કરીને ધરણા સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તારની ગંદકી અને કચરાપેટીની સફાઈ તાત્કાલિક ધોરણે થાય એવી માગ કરી હતી.


