- કરજણ ખાતે પ્રથમવાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું નવું સેન્ટર આપવામાં આવ્યું
- જેલના ધોરણ 10ના 9 અને ધોરણ 12ના 4 એમ કુલ 13 જેલના કેદીઓ પરીક્ષા આપશે
- 267 પરીક્ષા કેન્દ્રો પર 72,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘરેથી 30થી 40 મિનિટ વહેલા નીકળવા અપીલ કરવામાં આવી
આગામી 26 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. જેમાં એસ.એસ.સી (SSC)ના ચાર ઝોન અને એચ.એસ.સી (HSC)ના બે ઝોન, બંને ઝોનમાં થઈને 267 પરીક્ષા કેન્દ્રો પર 72,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ સાથે જેલના કેદીઓમાં ધોરણ 10ના નવ અને ધોરણ 12ના ચાર એમ કુલ 13 જેટલા જેલના કેદીઓ પરીક્ષા આપવાના છે. એસ.એસ.સી અને એચ.એસ.સીના તમામ કેન્દ્રો સીસીટીવી (CCTV)થી સજ્જ છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાઉન્સેલિંગ સેન્ટર છે, એમાં મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાત છે. અત્યાર સુધી 300 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ એમાં કાઉન્સેલિંગ કરી ચૂક્યા છે. ઉપરાંત જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે. પરીક્ષાને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં એસટી વિભાગ, BSNL વિભાગ, MGVCL, આરોગ્ય વિભાગ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગ થઈ ગઈ છે. વડોદરા જિલ્લાનો કન્ટ્રોલ રૂમ આગામી 25 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાથે કાર્યરત થવાનો છે. તમામ છ એ છ ઝોન સાથે પરીક્ષા સંદર્ભે મીટિંગ થઈ ગઈ છે.
આ સાથે આ વર્ષે પ્રથમવાર કરજણ ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું નવું સેન્ટર આપવામાં આવ્યું છે. આ વર્ષથી જે દિવ્યાંગ બાળકો છે, એમને કલાકની 20 મિનિટ લેખે 3 કલાકના 60 મિનિટ એમને આપવાના છે. ઉપરાંત રિક્ષા એસોસિએશન પણ આ વખતે ખૂબ સહકાર આપવાના છે. જો કોઈ બાળક અટવાય અને રીસીપ્ટ બતાવે તો તેને લોકેશન ઉપર પહોંચાડી દેશે.
સાથે સાથે આ વર્ષથી વડોદરામાં દરેક સ્કૂલના ક્યુઆર કોડ (QR Code)ની અમે એક પુસ્તિકા બહાર પાડી છે. આ પુસ્તિકા દરેક આચાર્ય અને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચશે, જેના કારણે વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરતા સરળતાથી તેમના પરીક્ષાના લોકેશને પહોંચી જશે. જેથી એમનો સમય બચશે. મારી તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને નમ્ર અપીલ છે, નિર્ભય થઈને પરીક્ષા આપો, કોઈપણ ચિંતા કરવાની જરૂર નથી.
આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે, રોડ રસ્તામાં આપ અટવાઈ ન જાઓ તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઘરેથી 30થી 40 મિનિટ જેટલા વહેલા નીકળવું જોઈએ. જેથી કોઈ ટ્રાફિકની સમસ્યા ન થાય અને આપણે આપણા નિશ્ચિત પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકીએ એટલે જેથી કોઈ આપણને ગભરાટ ન લાગે અને સહેજ પણ પેનિક થવાની જરૂર નથી.


