- NSUI સંગઠનની હેડ ઓફિસ પર રજૂઆત સાથે ઉગ્ર વિરોધની ચિમકી, કેમ્પસમાં તંગદિલીનું વાતાવરણ ઉભું થયું
- 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, ડીનના વર્તન અંગે પણ આક્ષેપ કરાયાં
MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એન્ટરન્સ પરીક્ષા રદ કરવાની માગ સાથે પહોંચેલા NSUIના કાર્યકરો અને ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહ વચ્ચે આજે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રવેશ પ્રક્રિયામાં ફેરફારની માગ લઈને NSUIના કાર્યકરો ડીન પાસે રજૂઆત કરવા ગયા હતા. રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં કેમ્પસમાં તંગદિલીનું વાતાવરણ છવાઈ ગયું હતું.

આ અંગે NSUIના સુઝાન લાડમેને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રન્સ એક્ઝામનો NSUI સંગઠન દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ જે પ્રાઈવેટ કોચિંગ ક્લાસ કે પ્રાઈવેટ યુનિવર્સિટીના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે. કારણ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવતી નથી.
વધુમાં કહ્યું કે, અમે એમને મોટો પ્રશ્ન એ કર્યો કે 10મા-12માની બોર્ડની એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એ માન્ય નથી? એનું રિઝલ્ટ માન્ય નથી? તો તમારી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ શું કામ લેવામાં આવી? આજે શાંતિપૂર્વક 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે આ એન્ટ્રન્સને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીનનો વ્યવહાર યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.
આજે જે પણ દુર્વ્યવહાર મારી જોડે કરવામાં આવ્યો એનો જવાબ સોમવારના દિવસે NSUI સંગઠન યુનિવર્સિટીના VC પાસેથી માંગશે અને તાત્કાલિક ધોરણે પ્રજ્ઞેશ શાહ જેવા હિટલર વ્યક્તિને કોમર્સ ફેકલ્ટીમાંથી ડીન પદેથી રદ કરવામાં આવે એવી માગ લઈને NSUI સંગઠન હેડ ઓફિસ પર રજૂઆત કરશે અને ઉગ્ર વિરોધ પણ કરશે.
આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, આ મામલે હું પોલીસ કમ્પ્લેન કરીશ. મેં તેઓ સાથે શાંતિથી વાત કરવાની વાત કરી હતી, પરંતુ તેઓ મારી ઓફિસમાં આવી નારેબાજી કરી હતી અને કોઈ પણ વાત સાંભળી ન હતી. એન્ટ્રન્સ બાબતે તેઓ સાથે કોઈ ચર્ચા થઈ નથી.


