રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલ કરવામાં આવી છે. જે મુજબ શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ/વહીવટી તંત્ર દ્વારા/કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સબંધિતોએ રાજ્ય ચૂંટણી આયોગના નિતિ નિયમોનુસાર આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો થાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકીય પક્ષોના કાર્યકરો તથા ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ થનાર છે. જે માટે ઉમેદવારો/રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રચાર માટે અધિકૃત વ્યકિત કે, તેઓના કાર્યકરો મારફતે જાહેર તથા ખાનગી મકાનોના અધિકૃત વ્યકિત કે, મકાન માલિકની પરવાનગી લીધા સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર પત્રો ચોડીને, સુત્રો લખીને, નિશાની ચીતરીને, ધજા, પતાકા લગાડીને મકાનોની દિવાલોને બગાડ કરવાની શક્યતા રહે છે.
ચૂંટણી દરમિયાન આચાર સંહિતાની જોગવાઈનો અમલ કરવા અને લોકોની માલ, મિલ્કતને તેમની ઈચ્છા વિરૂધ્ધ થતું નુકશાન, હાની, બગાડ અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરા શ્રી બી. એસ. પટેલ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અન્વયે કોઈપણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ અથવા તેઓના કાર્યકરો કે સમર્થકો દ્વારા ઉપરોકત વિસ્તારમાં આવેલ જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલકત ધારણ કરનાર અધિકૃત વ્યકિત કે માલીકની પરવાનગી સિવાય ચૂંટણી લક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સુત્રો/નિશાનીઓ લખવા વિગેરે પ્રકારનું કોઈપણ ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને હાની, નુકશાન કે બગાડ કરવો નહિ કે કરવા દેવો નહિ. જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો. એક રાજકીય પક્ષના કાર્યકરો કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો ઘ્વારા આયોજીત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરશે નહી તેમજ એક પક્ષ દવારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દુર કરી શકાશે નહી.
આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર ગણાશે. આ હુકમ જાહેરનામાની તારીખથી તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.


