- પ્રોજેક્ટના ભાગરૂપે જેતલપુર રેલવે ઓવરબ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરાશે
- આ કામ દરમિયાન જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ 15 નવેમ્બર 2025થી 29 નવેમ્બર 2025 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ વાહનો માટે બંધ રહેશે
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સી-5 પેકેજ હેઠળ વડોદરામાં ચાલતી સિવિલ વર્કને કારણે શહેરના બે મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજ અને જેતલપુર રેલવે ઓવરબ્રિજ પરના કામોને લીધે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરીજનોને અનુકૂળતા રહે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે હેતુથી બે અલગ જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ માટે બંધ રહેશે અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ 16 દિવસ બંધ રહેશે.

વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ વચ્ચે આવેલા પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજની આસપાસ અને ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્ક ચાલુ છે. અગાઉ તા.31 ઓક્ટોબર 2025 સુધીનું ડાયવર્ઝન જાહેર કરાયું હતું, પરંતુ કામગીરી ચાલુ રહેતાં પ્રોજેક્ટ મેનેજરની સૂચના મુજબ આ અંડરબ્રિજને વધુ સમય માટે તમામ વાહનો માટે બંધ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે 15 નવેમ્બર 2025થી 31 ઓક્ટોબર 2026 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી માટે નીચે મુજબનું ડાયવર્ઝન જાહેર કર્યું છે.
પ્રોજેક્ટના જ ભાગરૂપે જેતલપુર (સ્વામી વિવેકાનંદ) રેલવે ઓવરબ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરાશે. આ કામ દરમિયાન જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ તમામ વાહનો માટે બંધ રહેશે. પોલીસ કમિશનરે 15 નવેમ્બર 2025થી 29 નવેમ્બર 2025 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી માટે નીચે મુજબનું ડાયવર્ઝન જાહેર કર્યું છે.


