ભાયલીમાં આવાસના મકાનો ફકત હિંદુઓને આપો જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોનો વિરોધ

સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

MailVadodara.com - People-protest-in-Bhayli-with-slogans-like-Give-residential-houses-only-to-Hindus

- અન્ય ધર્મના લોકોને આવાસ આપવાની વાત વહેતી થતા હિંદુઓની લાગણી દુભાઈ, હિંદુ વિસ્તારને હિંદુ વિસ્તાર રહેવા દો જેવા સૂત્રોચ્ચાર કર્યા, અશાંતધારો દાખલ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો


વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં વોર્ડ નંબર-10માં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બની રહેલા મકાનો ફકત હિંદુઓેને આપવામાં આવે એવી માંગ સાથે આજે સ્થાનિક ભાજપા કાઉન્સિલરોની આગેવાનીમા સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હિંદુઓને શાંતિથી રહેવા દો, હિંદુઓને વિસ્થાપિત થવું ન પડે એવી સ્થિતિનું નિર્માણ ન કરો જેવા પોસ્ટરો, બેનરો સાથે લોકો મોટી સંખ્યામાં મોરચામાં જોડાયા હતા.


શહેરના ભાયલી વિસ્તારમાં વોર્ડ નંબર-10માં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ આવાસોમાં અન્ય ધર્મના લોકોને આવાસ આપવામાં આવનાર હોવાની વાત વહેતી થતાં હિંદુઓમાં લાગણી દુભાઇ હતી અને આ અંગે વિરોધ કરી સ્થાનિક કાઉન્સિલરો ઉમંગ બ્રહ્મભટ્ટ અને નિતીન દોંગાને રજૂઆત કરી હતી.

આ દરમિયાન આજે સ્થાનિક ભાજપા કાઉન્સિલરોની આગેવાનીમાં હિંદુઓને શાંતિથી રહેવા દો, હિંદુઓને વિસ્થાપિત થવું ન પડે એવા પોસ્ટરો અને બેનરો સાથે સ્થાનિક લોકોનો મોરચો કલેકટર કચેરી ખાતે આવ્યો હતો. આ મોરચામાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા અને હિંદુઓને જ આવાસો ફાળવો, હિંદુ વિસ્તારને હિંદુ વિસ્તાર રહેવા દો જેવા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.


સ્થાનિક ભાજપા કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-10માં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ આવાસોમાં અન્ય ધર્મના લોકોને આવાસો ફાળવવામાં ન આવે તે માટે સ્થાનિક લોકોએ માંગણી કરી હતી. હિંદુ વિસ્તારમાં હિંદુઓને જ આવાસો આપવામાં આવે એવી માંગ સાથે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. અગાઉ ડભોઇના ધારાસભ્યએ પણ ભાયલી વિસ્તારમાં અશાંતધારો દાખલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખ્યો હતો.


Share :

Leave a Comments