યુકે વર્ક પરમિટના બહાને વાડીમાં રહેતા હનુમાનજી મંદિરના પુજારી પાસેથી રૂપિયા 12 લાખની ઠગાઈ

વડોદરામાં વિઝા ઠગાઈનો વધુ એક કેસ, પુજારીએ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - On-the-pretext-of-UK-work-permit-a-priest-of-Hanumanji-temple-living-in-Wadi-was-cheated-of-Rs-12-lakhs

- એજન્ટે પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીને યુકે મોકલવાની લાલચ આપી બોગસ દસ્તાવેજો આપ્યા

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા રામચોક સ્થિત હનુમાનજી મંદિરના પુજારી સાથે યુકે વર્ક પરમિટ વિઝા બનાવવાના બહાને મોટી ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. પુજારીના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીને યુકે મોકલવાનું કહી વિઝા એજન્ટે વિશ્વાસમાં લઈ કુલ રૂ.12 લાખની રકમ વસૂલ કરી હતી, પરંતુ વિઝા ન બનતા તેમજ આપેલા તમામ દસ્તાવેજો બોગસ નીકળતા આખરે પુજારીએ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વાડી વિસ્તારના મારુ ફળિયામાં રહેતા અને રામચોક ખાતે હનુમાનજી મંદિરમાં પૂજા-અર્ચના કરતા ભરતભાઈ ઈશ્વરભાઈ રાજપુતનો બે વર્ષ અગાઉ મંદિર ખાતે મુલાકાત દરમિયાન સ્વપ્નિલ શાહ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. વાતચીત દરમિયાન યુકે વિઝા એજન્ટની જરૂર હોવાનું જણાવતાં સ્વપ્નિલ શાહે તેમને સોમાતળાવ વિસ્તારમાં ઓફિસ ધરાવતા સત્યમ ત્રિલોક શાહ સાથે મુલાકાત કરાવી હતી. સત્યમ શાહે પુજારીને વિશ્વાસમાં લઈ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી માટે યુકે વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહી કુલ રૂ.16.50 લાખ ખર્ચ થવાની વાત કરી હતી. ત્યારબાદ અલગ-અલગ હપ્તામાં RTGS મારફતે પુજારી પાસેથી રૂ.12 લાખ વસૂલવામાં આવ્યા હતા.

પછી લાંબા સમય સુધી વિઝા પ્રક્રિયામાં કોઈ પ્રગતિ ન થતાં પૂછપરછ કરતાં એજન્ટે ખોટા ક્રોસ લેટર, એપોઇન્ટમેન્ટ લેટર તથા ફી ભર્યાની વિગતો પુજારીના પુત્ર વિરલના મોબાઇલ પર મોકલી હતી. જોકે, દસ્તાવેજોની તપાસ કરતા આ તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

વારંવાર દબાણ કરતાં આરોપી એજન્ટે માત્ર રૂ.5.19 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકી રૂ.6.80 લાખ આજદિન સુધી પરત કર્યા નથી તેમજ વિઝા પણ બનાવી આપ્યા નથી. અંતે છેતરપિંડીનો ભોગ બનેલા પુજારીએ વિઝા એજન્ટ સત્યમ ત્રિલોક શાહ વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને વિઝા એજન્ટોની વિશ્વસનીયતા અંગે ફરી પ્રશ્નો ઉઠ્યા છે અને લોકોમાં જાગૃતિ જરૂરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Share :

Leave a Comments