- ડ્રેનેજ લાઈન, પાણી પુરવઠા, વરસાદી ગટર, પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી
- નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે રોડ ઝડપથી ખુલ્લા કરવા સૂચના અપાઈ
વડોદરા શહેરમાં હાલમાં ડ્રેનેજ લાઈન તેમજ વરસાદી ગટર નાખવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે 50થી વધુ માર્ગ બંધ અથવા તો એક તરફ વાહન વ્યવહાર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તેવી સૂચના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવી છે.

મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ડ્રેનેજ લાઈન, પાણી પુરવઠા, વરસાદી ગટર, પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક માર્ગો ઉપર ઝડપથી કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ અધિકારીઓને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જો જરૂર પડે તો રાત - દિવસ કામગીરી કરો અને બને તેટલી વહેલી તકે રોડ ખુલ્લા કરો. કેટલાક રોડ એક એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે તેને પણ ઝડપથી ખુલ્લા કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
શહેરમાં હાલમાં અંદાજે એક ડઝન જેટલા મુખ્ય માર્ગો સંપૂર્ણ બંધ અથવા તો એક તરફ જ વાહનવ્યવહાર માટે ખુલ્લા છે. હાલમાં શહેરમાં પરીક્ષાઓ શરુ થઇ છે ત્યારે માર્ગ બંધ હોવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળે છે. પીક અવર્સમાં ભારે ટ્રાફિક જોવા મળે છે તો બીજી તરફ મુખ્ય માર્ગ ઉપર ધૂળ ઉડવાના કારણે પણ વાહનચાલકો પરેશાન થઇ ઉઠ્યા છે. ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ થાય તેમ લોકો પણ માગ કરી રહ્યા છે.


