વડોદરાના અનગઢ ગામમાં સુકવેલા કપડાં લેવા જતાં વીજકરંટ લાગવાથી માતા અને પુત્રનું મોત

મૂળ પાદરાના ડબકા ગામનો રહેવાસી કટારિયા પરિવાર અનગઢ ઇન્દિરા આવાસમાં રહેતો હતો

MailVadodara.com - Mother-and-son-die-of-electrocution-while-going-to-pick-up-clothes-to-dry-in-Vadodaras-Anagadh-village

- કપડાં લેવા ગયેલા દીકરાને કરંટ લાગતા બચાવવા ગયેલી માતા પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા, ઇજાગ્રસ્ત બંનેને સયાજી હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા

- એકસાથે પરિવારના બે સભ્યોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું

વડોદરા જિલ્લાના અનગઢ ગામમાંથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. અહીં ઇન્દિરા આવાસના મકાનમાં સૂકવેલા કપડાં લેવા જતાં કરંટ લાગવાથી માતા અને પુત્રએ પોતાના જીવ ગુમાવ્યા છે. એકસાથે પરિવારના બે સભ્યોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ અનગઢ ખાતે આવેલા ઇન્દિરા આવાસના મકાનમાં રહેતા પરિવાર દ્વારા કપડાં સૂકવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘરમાં સૂકવેલા કપડાં લેવા માટે પહેલા પુત્ર ગયો હતો, જ્યાં તેને અચાનક કરંટ લાગ્યો હતો. પુત્રને બચાવવા કે તે દરમિયાન જ માતા પણ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા માતા અને પુત્રને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ બંનેને તપાસ્યા હતા, પરંતુ ગંભીર અસરને કારણે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં પુત્ર સુરેશ ડાહ્યાભાઈ કટારિયા અને માતા લખીબેન ડાહ્યાભાઈ કટારિયાનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પાદરાના ડબકા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ અઘટિત બનાવને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. અનગઢ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના બે સભ્યોના કરંટ લાગવાથી મોત થતાં તેમના સ્વજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

Share :

Leave a Comments