- પાદરાના લુણા ગામે રહેતા 23 વર્ષીય શંકરભાઈ ગોહિલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું
વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે 1 જૂને મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.એ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.આ અસહ્ય ઉકળાટ અને અચાનક વાતાવરણીય ફેરફાર વચ્ચે ખોડિયારનગરમાં એક આધેડને ગભરામણ થતાં તેમનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.
આ બનાવમાં આધેડ મૂળ ગોધરાના અને હાલ ખોડિયારનગરના હેમદીપ રેસિડન્સીમાં રહેતા શાંતિલાલ પ્રજાપતિ (ઉંમર 52 વર્ષ)ને રાત્રે લગભગ 1 વાગ્યે અચાનક ચક્કર આવ્યા હતા. તેઓ બાથરૂમમાં ગયા ત્યારે ઉલટી થઈ હતી.તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું. બાદમાં તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આધેડને ચક્કર અને ઉલટી બાદ ગભરામણ થતી હોવાથી તેઓએ પરિવારને જાણ કરી હતી.જો કે તેઓને પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.આધેડના અંતિમ સંસ્કાર પોતાના વતન ખાતે કરવાના હોવાથી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સાથે પાદરાના 23 વર્ષીય શંકરભાઈ ગોહિલ પાદરાના લુણા ગામના વતની હતા. જેમણે 27 મેના રોજ ખેતરમાં નાખવાની ઝેરી દવા અગમ્ય કારણોસર પી લેતા સારવાર માટે પાદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.બાદમાં વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.


