- આ ટ્રેન બંધ થવાથી લોકો ખાનગી વાહનો અને રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર બન્યા હતા, જેના કારણે સમય અને ખર્ચમાં વધારો થયો હતો, આ ડેમૂ સેવા સપ્તાહમાં છ દિવસ નિયમિત ચાલશે

કોરોના મહામારીના સમયમાં બંધ કરી દેવાયેલી આ મેમુ ટ્રેન આજે ફરીથી પાટા પર દોડતી થઈ છે. બોરસદ અને આંકલાવ વિસ્તારના નાગરિકો માટે લાંબા સમયથી રાહ જોવાતી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. આ ટ્રેનના પુનઃ પ્રારંભથી રોજિંદા મુસાફરી કરતા હજારો લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટી રાહત મળી છે. આ ટ્રેન સેવા બોરસદ અને આંકલાવ તાલુકાના 65થી વધુ ગામો માટે પરિવહનની એક મહત્વપૂર્ણ કડી સમાન હતી.

સેવા બંધ રહેતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને રોજિંદી મુસાફરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કઠાણા ગામ, જે મરી-મસાલાના હબ તરીકે ઓળખાય છે, તેના માટે રેલવે પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે. ટ્રેન બંધ થવાથી લોકો ખાનગી વાહનો અને રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર બન્યા હતા, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો હતો. આ ઉપરાંત, ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી આણંદ-વડોદરા માર્ગ પર ટ્રાફિકનું દબાણ વધુ વધ્યું હતું. પરિણામે, રોજિંદી આવન-જાવન કરનાર મુસાફરો માટે મુસાફરી વધુ અસુરક્ષિત અને ખર્ચાળ બની હતી. આવી સ્થિતિમાં મેમુ ટ્રેન સેવા પુનઃ શરૂ થવી આ વિસ્તાર માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે.


આણંદના સાંસદ મિતેષ પટેલ અને કેબિનેટ મંત્રી રમણ સોલંકી દ્વારા કેન્દ્રના રેલવે મંત્રાલય સમક્ષ સતત રજૂઆતો, બેઠકો અને અનુસરણ કરવામાં આવ્યા હતા. આ પ્રયાસોના પરિણામે જ આ લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. બોચાસણ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોની હાજરીમાં રેલવે અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ ટ્રેન સેવા ફરી શરૂ થતા બોરસદ-આંકલાવ વિસ્તારના ગામોના નાગરિકોને સરળ અને સસ્તો વાહનવ્યવહાર ઉપલબ્ધ બનશે. નોકરીયાતો અને વિદ્યાર્થીઓ માટે સમય બચાવતો ઝડપી વિકલ્પ મળશે તેમજ વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગતિ આવશે. સાથે જ રોડ ટ્રાફિક પરનું દબાણ ઘટશે અને મુસાફરીની હાલાકીમાંથી લોકોને રાહત મળશે.

આ ડેમૂ સેવા સપ્તાહમાં છ દિવસ (શનિવાર સિવાય) નિયમિત રીતે ચાલશે. કઠાણા - વડોદરા, કઠાણાથી સવારે ૫.૧૫ કલાકે ઉપડશે અને સવારે ૯.૨૦ કલાકે વડોદરા સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે વડોદરા -કઠાણા, વડોદરાથી બપોરે ૪.૫૫ કલાકે ઉપડશે અને રાત્રે ૯.૦૦ કલાકે કઠાણા પહોંચશે. આ ટ્રેનો બંને દિશામાં બોચાસણ, બોરસદ, વાસદ, નંદેસરી, ૨નોલી અને બાજવા ખાતે રોકાશે.


