ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક માસ થયો, નવો ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિકોની માગ

જિલ્લા પંચાયત સભ્યની આગેવાનીમાં તાલુકાના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું

MailVadodara.com - Its-been-a-month-since-the-Gambhira-Bridge-tragedy-locals-demand-alternative-arrangements-until-a-new-one-is-built

- બે દિવસમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો ગ્રામજનોની 14 ઓગસ્ટે ઉગ્ર જન આંદોલન કરવાની ચીમકી

- બ્રિજ તૂટવાથી નોકરી-ધંધો કરતા લોકોને અંદાજીત 60 કિમીનું અંતર કાપવું પડે છે

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક માસ થઈ ગયો છે. બ્રિજ બંધ હોવાના કારણે વડોદરા અને આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ, નોકરી -ધંધાર્થીઓ તેમજ સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્યારે આ બ્રિજ નવો ન બને ત્યાં સુધી લોકો આવન-જાવન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથે આજે (11 ઓગસ્ટ) જિલ્લા પંચાયત સભ્યની આગેવાનીમાં તાલુકાના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તે સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગંભીરા ચોકડી ખાતે 14 ઓગસ્ટે ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે.


વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમારે જણાવ્યું હતું કે, PWDની નિષ્કાળજીના કારણે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર -ગંભીરા બ્રિજ તૂટી જવાની દુર્ઘટનાને એક માસ થઈ ગયો છે. બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના વડોદરા-આણંદ જિલ્લાનાં વિદ્યાર્થીઓ, નોકરી -ધંધાર્થીઓ તેમજ સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આજે અમે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરો. જો બે દિવસમાં સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો 14 ઓગસ્ટે ગંભીરા ચોકડી ખાતે જન આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રિજ તૂટી જવાથી નોકરી-ધંધો કરતા લોકોને અંદાજીત 60 કિલોમીટર અંતર કાપવું પડે છે. ઉપરાંત એજ્યુકેશન હબ ગણાતા આણંદ (વિદ્યાનગર) મુકામે અભ્યાસ અર્થે પાદરા તથા જંબુસર તાલુકાનાં વિદ્યાર્થીઓને ખુબજ ગંભીર પરિસ્થિતિનો સામાનો કરવાનો વખત આવ્યો છે. તેઓના અભ્યાસમાં અસર પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ (એ.પી.એમ.સી) પાદરા ખાતે રોજબરોજ શાકભાજી લઇને આવતા હતા તેમને પણ મુશ્કેલી પડી રહી છે. મળેલી માહિતી પ્રમાણે કેટલાક લોકો જીવના જોખમે ગેરકાયદેસર નાવડીઓમાં મહિ નદી પાર કરી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા નદી પાર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા મુજપુર-ગંભીરા બ્રિજ નવો બનાવવા માટે રૂપિયા 212 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ બ્રિજ આગામી દોઢ વર્ષમાં તૈયાર કરવાનું આયોજન છે. ત્યારે આ બ્રિજ નવો બનાવવામાં આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

Share :

Leave a Comments