- બ્રિજ પરથી પસાર થતી વખતે કે તેની આસપાસ ગમે ત્યાં પ્લાસ્ટિક, પાઉચ કે અન્ય કચરો ન ફેંકવા તંત્રની નાગરિકોને અપીલ, બ્રિજ ઉપરના વોટર સ્પાઉટ્સની સાફ સફાઈ કરાઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસાના દિવસો દરમિયાન બ્રિજો પર વરસાદી પાણી જમા ન થાય અને તેનો ઝડપી તથા યોગ્ય નિકાલ થાય તે વાહનચાલકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને કોર્પોરેશન દ્વારા વિવિધ બ્રિજની સાફસફાઈ કરવામાં આવી હતી. અને બ્રિજ ઉપર પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થા કરાઈ હતી.
વડોદરા કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સક્રિયતા દાખવીને શહેરની હદ વિસ્તારમાં આવેલા નાના-મોટા કુલ-41 બ્રિજ પર સઘન સફાઈ ઝુંબેશ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સફાઈ અભિયાન અંતર્ગત શહેરની ભૌગોલિક સ્થિતિ મુજબ વિવિધ વિસ્તારોમાં આવેલા 15 રિવર ઓવરબ્રિજ, 14 રેલ્વે ઓવરબ્રિજ, 4 ફ્લાય ઓવરબ્રિજ અને વિશ્વામિત્રી ખાડી પર બનાવવામાં આવેલા 8 બ્રિજોનો સમાવેશ કરીને તમામ જગ્યાએ વ્યાપક સફાઈ કરવામાં આવી છે.

આ પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તમામ 41 બ્રિજો પર આવેલા વોટર સ્પાઉટ્સ એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ પાઈપોમાં લાંબા સમયથી ભરાયેલી માટી, પ્લાસ્ટિકનો કચરો, સૂકા પાંદડા તેમજ અન્ય અવરોધક કચરાને સંપૂર્ણપણે દૂર કરીને પાઈપોને એકદમ સાફ કરવામાં આવી છે જેથી વરસાદી પાણી કોઈ પણ અડચણ વિના વહી જાય.
આ ઉપરાંત, શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ફ્લાય ઓવર બ્રિજની બંને સાઈડમાં આવેલા સર્વિસ રોડ પર જમા થયેલી માટી અને ધૂળના ઢગલાઓને પણ જેસીબી અને સફાઈ કામદારોની મદદથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. તંત્રના આ નવતર અને આગોતરા આયોજનનો મુખ્ય હેતુ ચોમાસામાં બ્રિજ પર પાણી ભરાવાના કારણે થતા અકસ્માતો નિવારવાનો, વાહનચાલકો તથા રાહદારીઓની મુસાફરીને વધુ સરળ અને સલામત બનાવવાનો તેમજ રોડ સરફેસ કે બ્રિજના મજબૂત સ્ટ્રક્ચરને પાણીના ભરાવાથી થતા લાંબાગાળાના નુકસાનથી બચાવવાનો છે.
વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ સફાઈ ઝુંબેશની માહિતી આપવા સાથે વડોદરાના તમામ જાગૃત શહેરીજનોને પણ એક નમ્ર અને જાહેર અપીલ કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને વિનંતી કરી છે કે, તેઓ બ્રિજ પરથી પસાર થતી વખતે કે તેની આસપાસ ગમે ત્યાં પ્લાસ્ટિક, પાઉચ કે અન્ય કચરો ન ફેંકે, જેથી કરીને વરસાદી પાણીના નિકાલની વૈજ્ઞાનિક વ્યવસ્થામાં ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ન થાય. ચોમાસાની સમગ્ર ઋતુ દરમિયાન વડોદરા શહેરની સુંદરતા, સ્વચ્છતા અને નાગરિક સુવિધા જળવાઈ રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા એક વિશેષ સૂત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે કે- આપના સહકારની આશા, એ જ અમારી અપેક્ષા. તંત્રની આ અપીલને સ્વીકારીને જો નાગરિકો પણ સહકાર આપે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિથી સરળતાથી બચી શકાય તેમ છે.


