- સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની સાથે આ વર્ષે પ્રથમ વખત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ ફરજ સોંપવાની સૂચના અપાઈ, વડોદરા ડીઈઓ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરાયો
સરકાર દ્વારા દેશમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, સરકારી કર્મચારીઓની અછત વચ્ચે આ વખતે વસ્તી ગણતરી માટે ખાનગી સ્કૂલોના શિક્ષકોની યાદી મંગાવવામાં આવી છે. પૂરતા સ્ટાફના અભાવે ડીઈઓ દ્વારા ખાનગી સ્કૂલોને પણ આ કામગીરીમાં જોડાવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે ખાનગી સ્કૂલોના શિક્ષકોમાં ભારે રોષ છે અને સ્કૂલ સંચાલકોએ પણ આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે.
અત્યારે વસ્તી ગણતરીની કામગીરી ડિજિટલ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં શિક્ષકો ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરીની નોંધણી કરશે. આ કામગીરીમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની સાથે આ વર્ષે પ્રથમ વખત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ ફરજ સોંપવાની સૂચના અપાઈ છે. વડોદરા ડીઈઓ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ ગ્રાન્ટેડ તથા નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ વસ્તી ગણતરી-2027ની કામગીરીમાં જરૂરી સહકાર આપવાનો રહેશે. મહાનગરપાલિકા દ્વારા જે પણ માહિતી માંગવામાં આવે, તેમાં શાળાઓએ પૂરતો સહકાર આપવો પડશે.
વડોદરા અનએઇડેડ પ્રાઇવેટ સ્કૂલ ફાઉન્ડેશનના પ્રમુખ ઉત્પલ શાહે જણાવ્યું હતું કે, અમે મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા શિક્ષણાધિકારી પત્ર લખીને જાણ કરી છે. જેમાં જણાવ્યું છે કે ખાનગી સ્કૂલોના શિક્ષકોને કામગીરીમાં રોકવાથી શિક્ષણકાર્ય પ્રભાવીત થઇ શકે છે. તે સાથે હાઇકોર્ટના આદેશની નકલ પણ જોડી છે. ખાનગી સ્કૂલોના શિક્ષકોને આ કામગીરીમાંથી બકાત રાખવાની રજૂઆત કરી છે.


