ઐતિહાસિક લાલ કોર્ટ ભવ્ય સિટી મ્યુઝિયમ બનશે, 50 ટકા જેટલી કામગીરી પૂર્ણ

વડોદરાની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સ્થાપત્ય કલાની ધરોહરને વૈશ્વિક સ્તરે ઉજાગર કરાશે

MailVadodara.com - Historic-Red-Court-to-be-transformed-into-a-grand-city-museum-50-percent-of-work-completed

- મરાઠા સામ્રાજ્યના સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની દુર્લભ કલાકૃતિઓ સ્થાપિત થશે

- દંડક અને ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું


વડોદરા શહેરના હૃદયસમાન વિસ્તારમાં આવેલી અને સદીઓ જૂના ઇતિહાસની સાક્ષી એવી ઐતિહાસિક લાલ કોર્ટ ઈમારતને હવે એક આધુનિક સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવી રહી છે. શહેરની મધ્યમાં સુરસાગર તળાવની નજીક આવેલી લાલકોર્ટ એ વડોદરાની ઓળખ સમાન છે. ત્યારે આ ઐતિહાસિક લાલકોર્ટનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જેની આજે શહેરના રાજકીય આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ આ ઐતિહાસિક સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, લાલ કોર્ટને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની કામગીરી ખૂબ જ ઝડપભેર આગળ વધી રહી છે અને હાલની સ્થિતિએ આ ભગીરથ કાર્યની લગભગ 50 ટકા જેટલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. મહાનગરપાલિકાના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોજેક્ટને આખરી ઓપ આપવા વહીવટી તંત્ર રાત-દિવસ કાર્યરત છે.


આ નવું બની રહેલું સિટી મ્યુઝિયમ વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સ્થાપત્ય કલાની ધરોહરને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં તેમજ તેને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે વડોદરાના સ્થાનિક નાગરિકો તેમજ કલાપ્રેમીઓને ખાસ અપીલ કરી હતી કે, તેઓ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લે અને ગાયકવાડી શાસન તથા શહેરની પ્રાચીન વિરાસતને ખૂબ જ નજીકથી નિહાળે.


આ ભવ્ય મ્યુઝિયમમાં ખાસ કરીને મરાઠા સામ્રાજ્યના ભવ્ય ભૂતકાળ સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની અત્યંત દુર્લભ કલાકૃતિઓ, રાજા-મહારાજાઓના સમયના અસલી અને ઐતિહાસિક દસ્તાવેજો, પ્રાચીન હથિયારો, કલાત્મક નમૂનાઓ તેમજ વડોદરાના સાંસ્કૃતિક વારસાની અદ્ભુત ઝાંખી કરાવતી અસંખ્ય પ્રદર્શિત વસ્તુઓ લોક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ અદ્યતન મ્યુઝિયમ આગામી સમયમાં માત્ર વડોદરાની સાંસ્કૃતિક નગરી તરીકેની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવશે એટલું જ નહીં, પરંતુ નવી અને આવનારી યુવા પેઢીને પણ પોતાના શહેરના ગૌરવશાળી ઇતિહાસ, વીરતા અને વિરાસતથી વિગતવાર પરિચિત કરાવશે.

વડોદરાના સર્વાંગી વિકાસની સાથે-સાથે તેના ભવ્ય અને પૌરાણિક વારસાના સંરક્ષણ માટે આ સમગ્ર પ્રોજેક્ટ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે તેવી પ્રબળ આશા પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મ્યુઝિયમની બાકીની કામગીરી પણ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરીને તેને ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાનું આયોજન છે.


Share :

Leave a Comments