વડોદરાના ઉંડેરા રોડ પર આવેલી કૃષ્ણદીપ સોસાયટીમાં રહેતા અને રીલાયન્સ કંપનીમાં ફાયર વિભાગમાં નોકરી કરતા બકુલભાઈ હીરાભાઈ રાઠવા સાથે તેમના જ મકાનમાં ભાડે રહેતા વિજયભાઈ કસુભાઈ ડામોર નામના શખ્સે ભાયલી વિસ્તારમાં સસ્તો પ્લોટ અપાવી મોટો નફો કરાવી આપવાની લાલચ આપી, કટકે-કટકે લાખો રૂપિયા પડાવી લઈ પ્લોટ ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવી છે. આ ઠગે માત્ર મકાનમાલિક જ નહીં, પરંતુ તેમના પડોશી પરિવારને પણ પોતાની જાળમાં ફસાવી કુલ 38.64 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી બકુલભાઈ રાઠવાના જણાવ્યા અનુસાર, ગત વિજયભાઈ કસુભાઈ ડામોર (રહે. તળફળિયું, વગેરા ગામ, તા. ઝાલોદ, જિ. દાહોદ) પોતાના પરિવાર સાથે બકુલભાઈના મકાનના બીજા માળે માસિક ભાડાથી રહેવા આવ્યો હતો. વિજયભાઈ રીયલ એસ્ટેટ (મકાન-જમીન લે-વેચ)નો ધંધો કરતો હોવાથી અવારનવાર ફરિયાદી અને તેમના પડોશમાં રહેતા રમેશભાઈ છીતાભાઈ રાઠવાના પુત્ર કુલદીપ સાથે બેસતો ઉઠતો હતો, જેથી તેમની વચ્ચે મિત્રતા અને સારો સંબંધ બંધાયો હતો.
ઓક્ટોબર-2024 માં વિજયે બકુલભાઈને જણાવ્યું કે, ભાયલી વિસ્તારમાં અનિલભાઈ ગુપ્તા નામના વ્યક્તિનો એક સારો પ્લોટ વેચાણમાં છે, જે સસ્તા ભાવે મળી જશે અને આગળ જતાં મોટો નફો થશે. વિજયની વાતોમાં આવીને બકુલભાઈએ પ્લોટ ખરીદવા સંમતિ આપી હતી. ત્યારબાદ વિજય બકુલભાઈને ભાયલી ખાતે પ્લોટ બતાવવા પણ લઈ ગયો હતો અને 28 લાખમાં સોદો નક્કી કરાવ્યો હતો.
જો કે, બાદમાં ખબર પડી કે અનિલ ગુપ્તા તરીકે જે વ્યક્તિને બતાવવામાં આવ્યો હતો તે વાસ્તવમાં વિજયનો કાકાનો દીકરો ભાઈ અજય ઉર્ફે અજ્જુ ડામોર હતો. પ્લોટ પેટે વિજયે બકુલભાઈ પાસેથી રોકડા, બેંક ચેક તેમજ ગુગલ પે દ્વારા કટકે-કટકે લાખો રૂપિયા પડાવ્યા હતા . જેમાં બકુલભાઈએ પ્લોટના સોદા પેટે પોતાના પોતાના પક્ષેથી કુલ 34,52,000 ચૂકવ્યા હતા.
આ શાતિર ઠગે બકુલભાઈના પડોશી રમેશભાઈ રાઠવા અને તેમના પુત્ર કુલદીપને સોલાર પેનલનું ટેન્ડર અપાવવાના બહાને પોતાની જાળમાં ફસાવ્યા હતા. વિજયે કુલદીપ પાસેથી પણ કટકે-કટકે અને ગુગલ પે દ્વારા તેમજ રમેશભાઈના પત્ની મેઘાબેન પાસેથી મળીને કુલ 4,12,336 પડાવી લીધા હતા. આટલું જ નહીં, વિજયે રમેશભાઈના પુત્રનું 82,336ની કિંમતનું એપલ કંપનીનું નવું લેપટોપ પણ વાપરવાના બહાને લઈ લીધું હતું અને પાછું આપ્યું ન હતું.
આમ, આરોપી વિજયભાઈ ડામોર અને તેની પત્ની વૈભવીબેન પારગીએ ભેગા મળીને ફરિયાદી બકુલભાઈ રાઠવા સાથે 34.52 લાખ અને તેમના પડોશી રમેશભાઈના પરિવાર સાથે 4.12 લાખ મળીને કુલ 38.64 લાખથી વધુની છેતરપિંડી આચરી પ્લોટ કે સોલારનું ટેન્ડર ન અપાવી, નાણાં પરત ન કરી, વિશ્વાસઘાત કરીને આ દંપતી રાતોરાત ભાગી ગયું છે. આ અંગે ભોગ બનનાર પરિવારે પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.


