- મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને તળાવની જાળવણીની પોલ ખુલ્લી પડી ગઇ
- કોંગ્રેસના કોર્પોરેટરોએ તળાવની મુલાકાત લીધી, કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર તળાવમાં ફરી એકવાર અચાનક જ ખૂબ મોટી સંખ્યામાં માછલીઓના સામૂહિક મોત થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને તળાવની જાળવણીની પોલ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આ અંગે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
તળાવમાં માછલીઓના જીવ બચાવવા અને પાણીમાં ઓક્સિજનનું યોગ્ય સ્તર જાળવી રાખવાના હેતુથી પાલિકા દ્વારા લાખો રૂપિયાના માતબર ખર્ચે ખાસ ઓક્સિજન પ્લાન્ટ અને એરેટર્સ સ્થાપિત કરવામાં આવ્યા હતા. જો કે, આટલો મોટો આર્થિક ખર્ચ કર્યા બાદ પણ માછલીઓ સતત મરી રહી હોવાથી આ કરોડોનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર અથવા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
તળાવની સપાટી પર તરતી મૃત માછલીઓની દુર્ગંધને કારણે આસપાસના રહીશો અને મુલાકાતીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર અને સંવેદનશીલ ઘટનાની જાણ થતાં જ શહેર કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે સુરસાગર તળાવની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તળાવના કિનારે અને પાણીની સપાટી પર સેંકડોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી. જેને જોઈને કોર્પોરેટરોએ તંત્રની ઘોર બેદરકારી સામે અત્યંત આક્રોશ અને નારાજગી વ્યક્ત કરી હતી.

વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, પ્રજાના ટેક્સના લાખો રૂપિયા આ ઓક્સિજન પ્લાન્ટ પાછળ આંધણ કરવામાં આવ્યા છે, તેમ છતાં તેનો કોઈ પ્રાયોગિક લાભ તળાવના જળચર જીવોને મળી રહ્યો નથી. કાં તો આ પ્લાન્ટ બંધ હાલતમાં છે અથવા તો તેની ટેકનિકલ ગુણવત્તા અત્યંત નબળી છે. પ્રોજેક્ટના અમલીકરણમાં અને તેની નિયમિત જાળવણીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે મૂંગા જળચર જીવો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. અગાઉ ગોત્રી તળાવમાં પણ માછલાંના મોત થયા હતા તો સમા તળાવમાં ગઈકાલે જ માછલાંના મોતથી સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા હતા.
વિપક્ષના કોર્પોરેટરોએ જણાવ્યું કે, પાલિકાના આરોગ્ય અને હાઈડ્રોલિક વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સુરસાગર તળાવના પાણીના સેમ્પલ લઈને તેની લેબોરેટરીમાં તપાસ કરાવવી જોઈએ, જેથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે અને કોઈ ઝેરી કેમિકલ કે ડ્રેનેજનું પાણી ભળ્યું છે કે નહીં તેની સત્યતા બહાર આવી શકે. આ સાથે જ માછલીઓના મોત પાછળના સાચા ટેકનિકલ કારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
સ્થાનિક નાગરિકો પણ વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત છે અને સુરસાગર તળાવના પર્યાવરણ તેમજ જૈવવિવિધતાને કાયમી ધોરણે બચાવવા માટે વડોદરા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સખત અને અસરકારક પગલા લેવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે.


