- ટાવર અચાનક અસંતુલિત થઇ એક બાજુ ઝૂકી ધરાશાયી થતાં તેના પર કામ કરી રહેલા 6 શ્રમિકો નીચે પટકાયા હતા, જેમાં ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા
- તમામ શ્રમિકો પશ્વિમ બંગાળના રહેવાસી હોવાનું સામે આવ્યું, ઘટના સમયે કંપનીના સુપરવાઇઝર અને સેફ્ટી સુપરવાઇઝર સ્થળ પર હાજર હતા

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં 765 કે.વી. વડોદરા સાઉથ-ઓલપાડ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કામગીરી પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ ટી.એલ.એલ. કંપની દ્વારા કરવામાં આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના ગઈકાલે સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી અને આ મામલો આજે સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઘટના સમયે આશરે 25 જેટલા મજૂરો સ્થળ પર હાજર હતા. ટાવર ઉપર છ મજૂરો સેફ્ટી બેલ્ટ સાથે કામ કરી રહ્યા હતા. અગમ્ય કારણોસર ટાવર અચાનક અસંતુલિત થઈ એક બાજુ ઝૂકી જમીન પર ધરાશાયી થયો હતો. ટાવર ધરાશાયી થતાં તેના પર કામ કરી રહેલા 6 શ્રમિકો નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


સારવાર દરમિયાન કુલ ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં ખાનો કાલુ મારડી (ઉ.વ. 30)નું વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં બપોરે 11.50 કલાકે મોત થયું હતું. જ્યારે મગલા સીહરા કોલ (ઉ.વ. 38, રહે. કનોદ, થાણા-પારૂલ, જિ. માલદા, પશ્ચિમ બંગાળ) સહિત અન્ય બે શ્રમિકોના પણ સારવાર દરમિયાન મોત થયા હતા. બબલુ ધેના બાસ્કી અને રાજેન સુનિરામ હેમબરામ સહિત અન્ય ઇજાગ્રસ્તોની વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતક અને ઇજાગ્રસ્ત તમામ મજૂરો પશ્ચિમ બંગાળ રાજ્યના માલદા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે કંપનીના સુપરવાઇઝર અને સેફ્ટી સુપરવાઇઝર સ્થળ પર હાજર હતા.
અકસ્માત અંગેની જાણ થતાં ડભોઈ પોલીસ તથા ભીલપુર ઓપીના એ.એસ.આઈ. બાલુભાઈ જેસિંગભાઈ રાઠવા સહિતનો પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ટાવર અસંતુલિત થતાં ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


