ગોત્રી GMERS હોસ્પિટલને 35 લાખની અદ્યતન લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી

દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગેલ સંસ્થા સમક્ષ આ દરખાસ્ત મૂકવામાં આવી હતી

MailVadodara.com - Gotri-GMERS-Hospital-was-gifted-a-state-of-the-art-life-support-ambulance-worth-Rs-35-lakhs

- સંસ્થાએ કોઈપણ જાતના વિલંબ વિના આ પ્રસ્તાવને સ્વીકારીને પોતાના સામાજિક ઉત્તરદાયિત્વનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું


વડોદરા - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ ના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં એક અત્યંત પ્રશંસનીય અને લોકઉપયોગી કાર્ય સંપન્ન થયું છે. વડોદરા સાંસદ કાર્યાલયના MP CSR સેલ દ્વારા કરવામાં આવેલા વિશેષ પ્રયાસોના પરિણામે ગેલ સંસ્થાના સહયોગથી વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલને આશરે રૂપિયા ૩૫ લાખથી વધુની કિંમતની અત્યાધુનિક એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે.


આ પ્રસંગે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલની તાતી જરૂરિયાત અને દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગેલ સંસ્થા સમક્ષ આ દરખાસ્ત મૂકવામાં આવી હતી. સંસ્થાએ કોઈપણ જાતના વિલંબ વિના આ પ્રસ્તાવને સ્વીકારીને પોતાના સામાજિક ઉત્તરદાયિત્વનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના મૂલ્યવાન મંત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ સાથે આ પ્રકલ્પ આગામી સમયમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક યોગદાન આપશે. વડોદરાની GMERS હોસ્પિટલ માત્ર મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓ માટે પણ આરોગ્યનું મોટું કેન્દ્ર છે. આ અત્યાધુનિક એમ્બ્યુલન્સ કટોકટીના સમયે ગંભીર દર્દીઓનો જીવ બચાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.


આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. અનુપ ચંદાણી અને સાંસદ ડો. હેમાંગ જોશીએ મીડિયા સમક્ષ આ એમ્બ્યુલન્સની ટેકનિકલ સુવિધાઓ અને તેનાથી દર્દીઓને થનારા મોટા ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ તકે વોર્ડ નં. ૯ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, વિસ્તારના અન્ય કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમે પણ હાજર રહીને સાંસદ કાર્યાલય અને ગેલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Share :

Leave a Comments