વડોદરાના વિકાસને લીલીઝંડી, સ્થાયી સમિતિમાં એકસાથે 17 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી અપાઇ

રૂપિયા 70 કરોડથી વધુના રોડ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટને મંજુરી

MailVadodara.com - Green-light-for-Vadodaras-development-17-proposals-unanimously-approved-in-the-standing-committee

- સ્થાયી સમિતિની બેઠકમાં સર્વાનુમતે લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ

વડોદરા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક દરમિયાન એકસાથે કુલ 17 વિકાસ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે, જેમાં રૂ.70 કરોડથી વધુના રોડ, ડ્રેનેજ અને વરસાદી ગટર સંબંધિત કામોને લીલીઝંડી આપવામાં આવી છે. આ નિર્ણયોથી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા અને ગતિ મળશે.

બેઠકમાં ખાસ કરીને ચોમાસા પૂર્વે જળબંબાકારની સમસ્યા નિવારવા તથા શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉત્તર ઝોનમાં રૂ.5 કરોડની મર્યાદામાં આર.સી.સી. રોડના કામો કરવા તેમજ પૂર્વ ઝોનમાં રૂ.7.50 કરોડના ખર્ચે રસ્તાઓના નવીનીકરણને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ચાલી રહેલા રોડના કામો સમયસર પૂર્ણ થાય તે માટે રૂ.8 કરોડનો વધારાનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે વોર્ડ નં. 16, 2 અને 3માં નવી વરસાદી ગટર લાઈનો અને ચેનલો બનાવવા માટે કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. અમિતનગર સર્કલથી રાત્રી બજાર સુધીની જર્જરિત વરસાદી ચેનલને રૂ.7.50 કરોડના ખર્ચે નવી બનાવવાનો નિર્ણય લેવાતા ચોમાસા દરમિયાન હજારો રહીશોને મોટી રાહત મળશે.

ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વોર્ડ નં. 9 અને 11માં રૂ.20 કરોડથી વધુના ખર્ચે નવી ગ્રેવિટી તથા પ્રેશર ડ્રેનેજ લાઈનો નાખવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ રાયકા ફ્રેન્ચવેલ ખાતે જમીન સંપાદન માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવાનો નિર્ણય લેવામાં આવતા વર્ષોથી લટકેલા પ્રશ્નોના ઉકેલની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

બેઠક બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, શહેરના જનહિતને ધ્યાનમાં રાખી તમામ 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. આગામી મહાશિવરાત્રી પર્વ દરમિયાન શિવજીની શોભાયાત્રાના રૂટ પર તથા શહેરમાં શિવરાત્રીની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ વિનામૂલ્યે લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે વડોદરાની ઓળખ બની ગયેલી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના પ્રચાર-પ્રસાર માટે ગેટ અને કમાનો પણ વિનામૂલ્યે લગાવવાની મંજૂરી આપી જનહિત અને તહેવારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

Share :

Leave a Comments