વડોદરા શહેરની મહિલાને શેરબજારમાં રોકાણના નામે ભેજાબાજોએ 1.09 કરોડ પડાવ્યા હતા. આ મામલે મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા સિનિયર મેનેજર 58 વર્ષીય મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 6 માર્ચના રોજ મારા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો, મેસેજ કરનારે પોતાની ઓળખ ICICI સિક્યોરિટીઝ ગ્રૂપના સભ્ય વીનીતા પટોડીયા તરીકે આપી હતી અને સ્ટોક માર્કેટમાં રોકાણ વિશે પૂછ્યું હતું. મેં હા પાડતાં તેમણે મારી પાસે રહેલા સ્ટોકની વિગતો માગી હતી અને તેનું વિશ્લેષણ કરીને મને સ્ટોક વેચી દેવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરે છે અને તેમની સાથે જોડાવાથી મને ફાયદો થશે.
મેં તેમની વાતમાં સહમત થઈને મારા આધાર કાર્ડની નકલ અને ઈ-મેઈલ આઈડી આપ્યા હતા. તેમણે ICICI સિક્યોરિટીઝના લેટરહેડ પર મારી માહિતી લખીને સ્ટેમ્પ અને સહી સાથેનું રજિસ્ટ્રેશન ફોર્મ મોકલ્યું હતું અને જણાવ્યું કે મારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. 11 માર્ચના રોજ તેમણે મને એક લિંક મોકલી હતી, જેના દ્વારા મેં મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગઈન કર્યું. લોગઈન પછી ICICI સિક્યોરિટીઝ સંબંધિત પેજ ખૂલ્યું હતું, જેમાં મારું વોલેટ દેખાતું હતું. વીનીતા પટોડીયાએ મને સમજાવ્યું હતું કે, આ લિંક દ્વારા ટ્રાન્સફર કરેલા નાણાં વોલેટમાં દેખાશે અને સ્ટોકની ખરીદી-વેચાણ આ વેબસાઈટ પર જ થશે.
ત્યાર બાદ તેમણે મને રોકાણ કરવા કહ્યું ગતું અને મને ICICI કસ્ટમર સર્વિસના મોબાઈલથી મેસેજ આવ્યો હતો, જેમાં બંધન બેંકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું. મેં મારા એક્સિસ બેંક ખાતામાંથી 25 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા, જે વેબસાઈટના વોલેટમાં દેખાતા હતા. મેં આ વેબસાઈટ દ્વારા સ્ટોક ખરીદ્યા અને 12 માર્ચના રોજ વેચ્યા હતા, જેનાથી વોલેટમાં રૂ. નફા સાથે 27,423 દેખાયા હતા અને 13 માર્ચના રોજ મેં 27 હજાર રૂપિયા વિડ્રો કર્યા હતા, જે મારા એક્સિસ બેંક ખાતામાં જમા થયા હતા, જેથી મને વીનીતા પટોડીયા પર વિશ્વાસ થયો હતો.
ત્યાર બાદ તેમણે મને [D-101] ICICI Stock Exchange Group નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યો હતો, જેમાં અન્ય સભ્યો પણ હતા અને તેઓ પોતાના નફા વિશે મેસેજ કરતા હતા. આ ગ્રૂપમાં વીનીતા પટોડીયા મેસેજ કરતી હતી અને તે ગ્રુપ એડમિન હતી.
ત્યાર બાદ 13 માર્ચના રોજ ICICI Customer Serviceએ મને મેસેજ કરીને બંધન બેંક ખાતા નંબર આપતા મેં ફરીથી 1 લાખ રૂપિયા ટ્રાંસફર કર્યાં હતા. જેથી મને પ્રોફિટ સાથે આ રકમ 1,08,448 રૂપિયા બતાવતી હતી. જેથી 17 માર્ચના રોજ ફરીથી મેં વેબસાઈટ પરથી 1,08,000 રૂપિયા મારા એક્સીસ બેંક ખાતામાં લિધા હતા, જેથી મને આ વ્યક્તિ ઉપર પુરે પુરો વિશ્વાસ આવી ગયો હતો.
વીનીતા પટોડીયાએ મને અલગ-અલગ રીતે વિશ્વાસમાં લઈને એક વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યો હતો, જેનું નામ VIP1-ICICI Stock Exchange Group હતું. વીનીતાએ મને SEBI તરફથી માન્ય બેંક ખાતાઓ હોવાનું જણાવીને SEBIની સહી અને સીલ સાથેનું એક લેટર મોકલ્યો હતો. આ વિશ્વાસના આધારે, મેં અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. વીનીતાએ મને તેમના સાહેબ અશ્વિન પરીખના બે મોબાઈલ નંબર આપ્યા હતા. જેમની સાથે મેં IPO સંબંધિત વોટ્સએપ ચેટ દ્વારા વાતચીત કરી હતી.
તેમણે મને એક લિંક kfdygd.com આપી હતી. જેમાં લોગિન કરતાં મારા રોકાણની રકમ પ્રોફિટ સાથે દર્શાવવામાં આવી હતી. મને પાછળથી ખબર પડી કે, મારી સાથે છેતરપિંડી થઈ છે. જેથી મેં 1930 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


