- ગ્રાહકોને રિસોર્ટ અને ગોવાની ટૂરની સુવિધા આપવાનું વચન અપાયું હતું, રકમ પરત નહીં મળતાં ત્રણ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરાની જુદી જુદી હોટલોમાં મીટીંગ કરી ગ્રાહકોને ફાઇવ સ્ટાર રિસોર્ટના પેકેજના નામે આંજી દઈ રૂપિયા 5.42 લાખ ખંખેરી લેવામાં આવ્યા હોવાના બનાવ બનતા પોલીસે ગ્લોબલ ગેટવે રિસોર્ટના કર્મચારી સામે ગુનો નોંધ્યો છે.
ગોત્રી સેવાસી કેનાલ રોડ વિસ્તારના રાધેશ્યામ હાર્મની ખાતે રહેતા રીચાબેન જોષીએ પોલીસને કહ્યું છે કે માર્ચ 2026માં અકોટાની તાજ વિમાનતા હોટલમાં એક મિટિંગ રાખી હોવાનું અહીં ગ્લોબલ ગેટવે રિસોર્ટના નામે ફોન આવતા હું મિટિંગમાં ગઈ હતી. આ મિટિંગમાં ભારતમાં ફાઈવ સ્ટાર રિસોર્ટમાં રહેવા માટેની સ્કીમ સમજાવીને રૂ.3.05 લાખનું પેકેજ આપવામાં આવ્યું હતું અને ક્રેડિટ કાર્ડથી રૂપિયા લેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આવી કોઈ ફેસીલીટી અમને મળી નથી અને સહયોગ એટ્રીયમ, હરિભક્તી એક્સટેન્શન, ઓપી રોડ ખાતેની ઓફિસમાં રજૂઆત કરતા અમને સારી સર્વિસ પણ આપવામાં આવી ન હતી તેમજ રૂપિયા પણ પરત આપ્યા નથી.
આવી જ રીતે પલ્લવીબેન મુન્દ્રાને ધ ફનૅ હોટલમાં મિટિંગમાં બોલાવી તેમની પાસે પણ ક્રેડિટ કાર્ડથી 1.06 લાખ પડાવી લીધા હોવાના અને ગોવાની ટૂર માટે કોઈ સુવિધા નહીં આપી હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે તારાબેન દરજી સાથે પણ તાજ વિવાન્તા હોટલમાં મીટીંગ કરી હું 1.31 લાખ પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે. ઉપરોક્ત ફરિયાદને આધારે પોલીસે ગ્લોબલ ગેટવે રિસોર્ટના માલિક અમિત અમર કૃષ્ણ ગોસ્વામી સામે ગુનો નોંધ્યો છે.


