મચ્છીપીઠ રોડ પર સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ અલ હાંડી સહિત પાંચ દુકાનો તાત્કાલિક સીલ કરાઈ

જાહેર રસ્તા પર કચરો ફેંકીને ગંદકી ફેલાવતી પાંચ દુકાનો સામે પાલિકાની કાર્યવાહી

MailVadodara.com - Five-shops-including-Al-Handi-were-immediately-sealed-on-Machhipith-Road-for-violating-cleanliness-regulations

- ઓચિંતી તપાસમાં પાંચ વેપારીઓની બેદરકારી સામે આવી

- સીલ ખોલાવવા પહોંચશે ત્યારે દુકાનમાલિકો પાસેથી ભારે દંડ વસૂલવાની પાલિકાની ચીમકી


ગુજરાતમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવનાર વડોદરાને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત શહેરના મચ્છીપીઠ રોડ વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતી કુલ પાંચ દુકાનોને પાલિકાની ટીમે ઓચિંતી તપાસ દરમિયાન તાત્કાલિક અસરથી સીલ કરી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી વિસ્તારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


મચ્છીપીઠ રોડ પર સ્વચ્છતા અને ટ્રાફિકની સરળતા જાળવવા માટે અગાઉ કચરો એકત્ર કરવા મૂકવામાં આવેલા ડસ્ટબીન તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તેમ છતાં, કેટલાક બેજવાબદાર દુકાનદારો પોતાની દુકાનનો કચરો ડસ્ટબીનમાં રાખવાને બદલે સીધો જ જાહેર રસ્તા પર ફેંકતા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી અને રહીશો તેમજ રાહદારીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું. સ્થાનિકોની ફરિયાદ અને નિરીક્ષણ બાદ સેનેટરી વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અલ હાંડી, બરકત તંદૂરી સ્ટેશન, અજમેરી ફાલુદા, ધ ટાઈમ્સ કોર્નર અને મોના પ્રોવિઝનને સીલ કરી હતી.

વડોદરા મહાનગરપાલિકાએ વેપારી વર્ગને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં અન્ય બજારોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. પાલિકાએ ચીમકી ઉચ્ચારી છે કે સીલ કરાયેલી પાંચેય દુકાનોના માલિકો જ્યારે સીલ ખોલાવવા રજૂઆત કરવા આવશે, ત્યારે તેમની સામે નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી ભારે દંડ વસૂલવામાં આવશે. આ સાથે જ તમામ વેપારીઓને દુકાનમાં ડસ્ટબીન રાખી કચરાનો યોગ્ય નિકાલ કરવા સૂચના અપાઈ છે.


Share :

Leave a Comments