- પોલીસ કમિશનરના આદેશ મુજબ કર્મચારીઓની માહિતી આપવી ફરજિયાત
- એપલ અને પ્લેનેટ સ્પામાં પરપ્રાંતીય સ્ટાફ રાખ્યાની વિગતો છુપાવ્યાનું સામે આવ્યું
વડોદરા શહેરના સ્પા સેન્ટરોમાં પરપ્રાંતીય યુવતીઓ મોટા પ્રમાણમાં આવતી હોવાની અને સ્પાની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની વિગતોને પગલે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને તમામ સેન્ટરો માટે કર્મચારીઓની માહિતી પોલીસને આપવી ફરજિયાત બનાવી હતી.
આમ છતાં કેટલાક સ્પામાં પરપ્રાંતીય યુવતીઓ તેમજ કર્મચારીઓની માહિતી છુપાવવામાં આવતી હોવાથી પોલીસ દ્વારા સેન્ટરમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. બે દિવસ પહેલા ગોત્રીના ધ એનજે સ્પાના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા સ્પા સેન્ટરો સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે અને વધુ બે કેસ કરવામાં આવ્યા છે. આ પૈકી ફતેગંજ મંગલ કીર્તિ એપાર્ટમેન્ટમાં આવેલા એપલ સ્પામાં પરપ્રાંતિય કર્મચારી રાખવા બદલ પોલીસે સંચાલક હું મયુર રમેશભાઈ રાજપુત (રહે-શામળ કુવા ચાર રસ્તા પાસે, પાદરા કરજણ રોડ) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જ્યારે અલકાપુરીના માધવ કોમ્પ્લેક્સમાં પ્લેનેટ સ્પા ચલાવતા તરુણ ધીરજ લાલ પટેલ (ટ્રેટ ગામ, વિરમગામ હાલ રહે સુંદરવન સોસાયટી, ન્યુ સમા રોડ) સામે પણ આવી જ રીતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


