છાણીના નાની કાછિયાવાડમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો રૂા.5.52 લાખની મત્તા ચોરી ફરાર, ત્રિપુટી CCTVમાં કેદ

પરિવારની ગેરહાજરીમાં તસ્કરોએ મકાનના કબાટો ફંફોસીને દાગીના અને રોકડ ચોરી

MailVadodara.com - Thieves-broke-the-lock-of-a-closed-house-in-Nani-Kachhiyawad-Chhani-stole-valuables-worth-Rs-5-52-lakh-and-fled

- પરિવાર સુરતમાં મામાના ઘરે ગયો હતો, ત્યારે તસ્કરો ત્રાટક્યા

- 58.5 ગ્રામ સોનું અને 1525 ગ્રામ ચાંદીના ઘરેણાં ચોરાયાં, પાડોશીએ ફોન કરી ચોરીની જાણ કરતા પરિવાર પરત ફર્યો હતો

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પરિવાર સુરતમાં મામાના ઘરે ગયો હતો, ત્યારે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટો ફેંદી નાખ્યા હતા અને સોના-ચાંદીના દાગીના સહિત 5.52 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ નાની કાછિયાવાડમાં રહેતા શન્ની પરસોતમભાઈ પટેલ (ઉં.વ.30) ધર્માદા શોપિંગ સેન્ટરમાં `પ્રેરણા' નામે કપડાંની સિલાઈની દુકાન ચલાવે છે. તેઓ પરિવાર સાથે તા.12 નવેમ્બરના રોજ સુરત ખાતે રહેતા મામાના ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન મકાનને તાળું મારી પરિવાર સુરત ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરમાં ઘુસ્યા હતા.

Vadodara Theft: Thieves Break Into Chhani House, CCTV Footage Released

15 નવેમ્બરે વહેલી સવારે પાડોશમાં રહેતા મિત્રનો ફોન આવ્યો હતો કે, તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલું છે, લાઇટો ચાલુ છે અને ઘરની અંદર સામાન વેરવિખેર પડ્યો છે. આ જાણ થતાં શન્નીભાઈએ પરિવારને જાણ કરી હતી, જેથી સુરતથી ટ્રેન મારફતે વડોદરા પરત આવી તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું અને નકૂચો તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા.

ઘરમાં પ્રવેશ કરતાં હોલમાં રહેલા કપડાના કબાટમાંથી કપડાં વેરવિખેર પડ્યાં હતાં. પુત્રની સ્કૂલ બેગ પણ ફંફોસવામાં આવી હતી, જ્યારે ટીવી નીચેના ડ્રોઅરમાંથી પર્સના કાગળો બહાર ફેંકેલા હતા. ત્યારબાદ અગાસી પરના રૂમમાં તપાસ કરતાં ત્યાંના દરવાજાનું તાળું અને નકૂચો પણ તૂટેલા હતા.

કબાટ ખોલીને પત્નીના ઘરેણાં, સાડીઓ, ડ્રેસ અને અન્ય કપડાં વેરવિખેર કરી નાખવામાં આવ્યાં હતાં. તસ્કરો ઘરમાંથી આશરે 58.5 ગ્રામ સોનાના દાગીના, 1525 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડા રૂ.40 હજાર મળી રૂ.5.52 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વેપારીએ છાણી પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને છાણી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments