- મારામારી અને જૂથ અથડામણમાં 59 લોકો ઈજાગ્રસ્ત થયા
- ફટાકડાથી દાઝવાના પાંચ કેસ નોંધાતાં સયાજી હોસ્પિટલના તબીબી ટીમે સારવાર આપી
વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં દિવાળીના તહેવારોની ઉજવણીના ઉત્સાહ વચ્ચે દુર્ઘટનાઓ અને અનિચ્છનીય બનાવોનો સિલસિલો પણ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી (SSG) હોસ્પિટલ દ્વારા તહેવારોના આઠ દિવસ દરમિયાન નોંધાયેલા મેડિકો-લીગલ અને ઇમરજન્સી કેસોના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન માર્ગ અકસ્માતના 135 કેસ નોંધાયા છે, જ્યારે વિવિધ દુર્ઘટનાઓ અને ગંભીર ઈજાઓને કારણે કુલ 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
SSG હોસ્પિટલના મેડિકલ ઓફિસર એન.એસ. પટેલના જણાવ્યા અનુસાર, તહેવારોની ખરીદી અને હરવા-ફરવાના ઉત્સાહમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન તથા બેફામ વાહન ચલાવવાના કારણે શહેર અને આસપાસના હાઈવે પર અકસ્માતોમાં મોટો ઉછાળો આવ્યો હતો, જેમાં 135 જેટલા ગંભીર કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, સામાન્ય બાબતોમાં ઉશ્કેરાટ અને જૂની અદાવતને કારણે મારામારી તેમજ જૂથ અથડામણના બનાવોમાં કુલ 59 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તહેવારની શરૂઆતથી અત્યાર સુધીમાં અલગ-અલગ અકસ્માતો, ગંભીર ઈજાઓ અને અન્ય અનિચ્છનીય બનાવોમાં કુલ 35 લોકોના મોત નિપજતાં 35 પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, ફટાકડા ફોડતી વખતે રાખવામાં આવેલી બેદરકારીના કારણે દાઝવાના પણ કુલ 5 કેસ નોંધાયા હતા. જોકે, તહેવારોની રજાઓ હોવા છતાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને ઇમરજન્સી વિભાગની ટીમે સતત ખડેપગે રહીને તમામ દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી હતી.


