અકોટાના નિવૃત્ત સિનિયર સિટીઝનને ઉજ્જૈનમાં રૂમ અને VIP દર્શનના બુકિંગના બહાને 70,770નો ચૂનો લગાવ્યો

ચેટજીપીટી સર્ચમાં મળેલી ખોટી લિંકથી મહાકાલ દર્શનના નામે ઓનલાઈન છેતરપિંડી

MailVadodara.com - Swindled-out-of-70770-under-the-pretext-of-booking-rooms-and-VIP-darshan-in-Ujjain

- અલગ-અલગ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડથી નાણાં પડાવ્યા, અકોટા પોલીસ મથકમાં ફરિયાદ

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા સિનિયર સિટીઝન સાથે ઉજ્જૈન ખાતે આવેલા શ્રી મહાકાલ ભક્ત નિવાસમાં રૂમ અને વી.આઈ.પી. દર્શનના બુકિંગના બહાને ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ ચેટ જીપીટી પર સર્ચ દરમિયાન મળેલી ખોટી લિંક અને વોટ્સએપના માધ્યમથી વિશ્વાસમાં લઈને તેમની પાસેથી અલગ-અલગ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ રૂ.70,770 પડાવી લીધા હતા. આ મામલે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

નિવૃત્ત અને સિનિયર સિટીઝન જયપ્રકાશ પાંડેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પોતાના પરિવાર સાથે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) દર્શને જવાના હોવાથી તેમણે ChatGPTની મદદથી હોટેલ બુકિંગ માટે સર્ચ કર્યું હતું. આ દરમિયાન તેમને શ્રી મહાકાલ ભક્ત નિવાસની લિંક મળી હતી, જેના પર ક્લિક કરતાં ખુલેલી વેબસાઇટ પર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા વિનોદ પાંડે નામના શખસે ફોન રીસીવ કર્યો હતો અને પોતે મહાકાલ ભક્ત નિવાસમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી.

ઠગબાજે શરૂઆતમાં 3 રૂમના ભાડા પેટે રૂ.13,860નો QR કોડ મોકલી પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કર્યા બાદ ઠગોએ એકસાથે રકમ ન આપવાનું જણાવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા, ફરિયાદીએ વિશ્વાસમાં આવીને અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ ઉપરાંત મહાકાલ મંદિરમાં 6 વ્યક્તિઓ માટે વી.આઈ.પી. દર્શનના પ્રતિ વ્યક્તિ રૂ. 250 લેખે કુલ રૂ.1500 પણ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

બુકિંગનું સ્ટેટસ પેન્ડિંગ બતાવીને ઠગોએ વધુ રૂ.41,550ની માંગણી કરી હતી. બાદમાં કુલ રૂ.70,770 અલગ અલગ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચર્યા બાદ પણ વધુ નાણાંની માગણી ચાલુ રહેતા ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments