- બે અલગ ટ્રાન્ઝેક્શનથી 60 હજાર અને 34 હજાર ઉપાડ્યા, બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરના વૈકુંઠ-2 વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ઇબ્રાર મુન્નાખાન સાથે સાયબર ઠગાઈની ઘટના બની છે. ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરવાના બહાને તેમનો મોબાઈલ ફોન હેક કરીને ઠગોએ બેંક ખાતામાંથી કુલ રૂ.94,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. આ મામલે બાપોદ પોલીસ મથકમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઈ હતી.
ફરિયાદી ઇબ્રાર મુન્નાખાન પિતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ફેસબુક જોઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના ફોન પર ઇન્સ્ટાગ્રામ અપડેટનું નોટિફિકેશન આવ્યું હતું. જેવું તેમણે તેના પર ક્લિક કર્યું કે તરત જ તેમનો મોબાઈલ ફોન અચાનક હેક થઈ ગયો અને સ્ક્રીન સંપૂર્ણપણેબ્લેક થઈ ગઈ હતી. ફોન સ્વીચ ઓફ કરીને ચાલુ કરવા છતાં તે સેકન્ડોમાં જ બંધ થઈ જતો હોવાથી તેમણે તેમાંથી સિમકાર્ડ કાઢી લીધું હતું. બીજા દિવસે સવારે સિમકાર્ડ નાખીને ફોન ચાલુ કરતા ગૂગલ પે ચેક કરતાં ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી.
પીડિતે તેમની નજીકની ઈન્ડિયન બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 60,000 અને 34,000 મળીને કુલ 94,000 ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા છે. આ અંગે કોઈ જ વ્યવહાર નહીં કર્યો હોવાથી પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં તેમણે નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી.


