- કેમિકલ, બાયોલોજિકલ અને મેટલર્જિકલ પદાર્થોની ગુણવત્તા ચકાસી શકાશે, મધ્ય ગુજરાતના ઉદ્યોગોને સંશોધન અને પરીક્ષણનો લાભ મળશે
એમ.એસ.યુનિવર્સિટીમાં આગામી સમયમાં મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરીની સુવિધા ઉભી કરવામાં આવશે.આ માટે અલગ અલગ પ્રકારના ૧૧ કરોડ રુપિયાના મશિનોની ખરીદી કરવામાં આવશે.જે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાંટ આપવામાં આવશે.
યુનિવર્સિટીના રિસર્ચ સેલના ડાયરેકટર અને ફિઝિક્સ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર પી કે ઝાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ પણ મટિરિયલ બનાવવામાં આવે તો તેની પ્રોપર્ટીની ચકાસણી જરુરી હોય છે.તો જ તેની ક્ષમતાનો અને તે જે હેતુથી બનાવવામાં આવ્યું છે તેમાં તેનો ઉપયોગ કેટલી હદે અસરકારક રીતે થઈ શકશે તેનો ખ્યાલ આવતો હોય છે.આ માટે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી ઉભી કરવા અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ પ્રસ્તાવ મૂકયા બાદ સરકારે ૧૧ કરોડ રુપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે.જેનો પહેલો હપ્તો યુનિવર્સિટીને મળી પણ ગયો છે.આગામી દિવસોમાં ઈન્સ્ટ્રુમેન્ટસ ખરીદવાની પ્રક્રિયા શરુ કરાશે.એક વખત આ સુવિધા ઉભી થયા ગયા બાદ કોઈ પણ પ્રકારના કેમિકલ, બાયોલોજિકલ, મેટલર્જિકલ સહિતના મટિરિયલની ચકાસણી યુનિવર્સિટીમાં શક્ય બનશે.જેનો લાભ વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ઉદ્યોગોને પણ મળશે. પ્રો.ઝાએ કહ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી રાજ્યની એક માત્ર ગ્રાન્ટેડ યુનિવર્સિટી છે જ્યાં આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે.


