- 26.61 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે, ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર થયા
- 11 વાહન, 5 મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી 50,21,999નો જથ્થો કબજે કરાયો
વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કુલ રૂપિયા 50,21,999નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં 26.21 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાઈ ગયો. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રાજ્યમાં ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને રાજ્યભરમાં સઘન કામગીરી સોંપવામાં આવી હતી, જેના અંતર્ગત આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા કરજણ ગામમાં એસ.ટી. ડેપો સામે આવેલા ઠાકોરવાસમાં, જોગણી માતાના મંદિર પાસે, આરોપીઓના મકાનોમાં તેમજ સોસાયટીમાં અલગ-અલગ જગ્યાએ પાર્ક કરેલા વાહનોમાં આકસ્મિક રેઈડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા 26,61,999 લાખના વિદેશી દારૂ સાથે 11 વાહન, 5 મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી 50,21,999નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આ દરોડાની કાર્યવાહી બાદ પકડાયેલા 3 અને વોન્ટેડ જાહેર કરાયેલા 3 સહિત 6 આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં મહેન્દ્રકુમાર જીતુભાઈ ઠાકોર, પ્રશાંતકુમાર વિસરામભાઈ શાંખલા અને અક્ષયકુમાર જસવંતભાઈ વસાવા (તમામ રહે. કરજણ, જિ. વડોદરા) ને પકડી પાડવામાં આવ્યા છે.
જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓ ચિરાગ રાજુભાઈ ઠાકોર (રહે. કરજણ), એક અજાણ્યો શખ્સ (ડી.કે. નામનો ઇસમ) તથા પકડાયેલા વાહનોના માલિક કે કબજેદારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કેસમાં નાસતા ફરતા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.


