- ગંદકીની ફરિયાદો વચ્ચે કર્મચારીઓ અને ધંધાર્થીઓ વચ્ચે ઘર્ષણ
વડોદરાના સુરસાગર તળાવ ગેટ નંબર-6થી ગાંધીનગર ગૃહ તરફ જતા માર્ગ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી ચાર્જ ભર્યા વગર લારી-ગલ્લા ઊભા રાખીને વેપાર કરતા ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી લારીઓ દૂર કરવામાં આવી હતી. કેટલાક વેપારીઓ દ્વારા આસપાસ ગંદકી કરવામાં આવતી હોવાની બાબત પણ સામે આવતાં કોર્પોરેશનની ટીમે તેમની લારીઓ જપ્ત કરી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓ અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે હળવું ઘર્ષણ પણ થયું હતું. જોકે, ટીમે કાર્યવાહી ચાલુ રાખી બે ટ્રક ભરીને લારીઓ જપ્ત કરી હતી. આ કાર્યવાહીથી વિસ્તારમાં રસ્તા પર લારી-ગલ્લા ઊભા રાખીને વેપાર કરતા ધંધાર્થીઓમાં દોડધામ મચી હતી. કોર્પોરેશનની કાર્યવાહી સામે વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.


