- આ બસ સેવા સવારે 5થી રાત્રે 10 વાગ્યા સુધી દર 20 મિનિટે બસ મળશે, બપોરે 1થી 3 દરમિયાન બંધ રહેશે
- આગામી તબક્કામાં કરજણ શહેર સુધી રૂટ લંબાવવાની શક્યતા
વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48 પર PM-eBus Sewa અંતર્ગત કરજણ તાલુકાના કંડારી ગામ સુધી આધુનિક AC ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. પર્યાવરણને અનુકૂળ અને આરામદાયક આ બસ સેવા શરૂ થતાં કંડારી સહિત હાઈવે આસપાસના વિસ્તારોમાંથી વડોદરા તરફ અવરજવર કરતા મુસાફરોને મોટી રાહત મળશે.
મળતી માહિતી મુજબ, આ બસ સેવા સવારે 5.00 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે અને મુસાફરોની સુવિધા માટે દર 20 મિનિટે બસ દોડાવવામાં આવશે. જોકે, બપોરના 1.00 થી 3.00 વાગ્યા દરમિયાન સેવા બંધ રહેશે.
કંડારી ગામ સુધી બસ સેવા શરૂ થવાથી ખાસ કરીને આ હાઈવે પર આવેલા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ પોર-રમણગામડી GIDC વિસ્તારમાં આવેલી નાની-મોટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને મોટી રાહત મળશે. રોજિંદા નોકરી-ધંધા માટે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા કર્મચારીઓ માટે જાહેર પરિવહનની વધુ સુવિધા ઉપલબ્ધ બનશે.
હાલમાં સેવા કંડારીથી વડોદરા વચ્ચે શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ રૂટને કરજણ શહેર સુધી લંબાવવાની શક્યતા છે. જો PM-eBus સેવા કરજણ સુધી લંબાવવામાં આવશે તો કરજણ શહેર ઉપરાંત તાલુકાના વિવિધ ગામોના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને અન્ય રોજિંદા મુસાફરોને વડોદરા તરફની મુસાફરીમાં વધુ સુવિધા મળશે. કરજણ સુધી આ આધુનિક બસ સેવા શરૂ થાય તેવી સ્થાનિકોમાં આશા છે. આ રૂટના વિસ્તરણથી કરજણ તાલુકાના જાહેર પરિવહનને નવી ગતિ મળવાની સાથે હાઈવે પર આવેલા ઔદ્યોગિક વિસ્તારો સાથેની કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનશે.


