ગોરવા વિસ્તારમાં પત્ની સાથે સામાન્ય બોલાચાલી બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું, 4 કિમી દૂરથી મૃતદેહ મળ્યો

દાંપત્ય જીવનમાં બોલાચાલી બાદ યુવકે અંકોડિયા-ભીમપુરા કેનાલમાં ઝંપલાવ્યું હતું

MailVadodara.com - Man-jumps-into-canal-after-casual-fight-with-wife-in-Gorwa-area-body-found-4-km-away

- વાસણા ફાયર બ્રિગેડની ટીમે કલાકોની શોધખોળ બાદ અંપાડ ગામ પાસેથી મૃતદેહ બહાર કાઢ્યો

- પરિવાર પર શોકની લાગણી, પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

વડોદરાના છેવાડે આવેલા અંકોડિયા-ભીમપુરા કેનાલમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોરવા રોડ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય પ્રૌઢે મોડી રાત્રે ઘરે પત્ની સાથે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ આવેશમાં આવીને કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટના અંગે સ્થાનિકો અને પરિવારજનોને જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાસણા ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ વહેલી સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફાયર જવાનો દ્વારા કેનાલમાં બોટ અને હૂકની મદદથી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ છેવટે ઘટનાસ્થળથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલા અંપાડ ગામ પાસેથી કલ્પેશભાઈનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.

ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાંથી મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વડોદરા તાલુકા પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર બનાવ સંદર્ભે વડોદરા તાલુકા પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના વાસ્તવિક કારણો અને પારિવારિક વિવાદ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, ગોરવા રોડ પર આવેલી ગોપાલભાઈ સોસાયટી (લક્ષ્મીપુરા) ખાતે રહેતા 48 વર્ષીય કલ્પેશ વિનોદચંદ્ર મહેતાના આ આકસ્મિક અવસાનથી સમગ્ર વિસ્તાર અને પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. કલ્પેશભાઈના અકાળે અવસાનના કારણે તેમની પત્ની તેમજ એક પુત્ર અને એક પુત્રી નોધારા બની ગયાં છે. માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Share :

Leave a Comments