- 232 ગ્રામ સોનું, 230 ગ્રામ ચાંદી અને ચાર ટેબ્લેટની ચોરી, રૂ.37 હજાર રોકડ સહિતની મત્તા ચોરાઇ
વડોદરા શહેરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ચાર ટેબ્લેટ સહિતની મત્તાની ચોરી કરી હતી. પરિવારના મોભી સસરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાથી પતિ-પત્ની છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે હોસ્પિટલમાં રોકાતા હતા. આ દરમિયાન તસ્કરોએ ઘરને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી લાખો રૂપિયાના દાગીના સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે છાણી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ આ મામલે કહ્યું હતું કે'મારી જિંદગીની મૂડી ચોરી થઈ થઈ છે'
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી રામા રેસિડેન્સીમાં બી-402 અને બી-403 નંબરના ફ્લેટમાં રહેતા 43 વર્ષીય નીતિન રામભાઈ શેટ્ટી રાવપુરા ખાતે આવેલી ગોયલ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. નીતિનભાઈના સસરાને બીમારી હોવાથી છેલ્લા પાંચેક દિવસથી સમા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી નીતિનભાઈ અને તેમનાં પત્ની છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે ઘર બંધ કરીને હોસ્પિટલમાં સસરાની દેખરેખ માટે જતા હતા.

દરમિયાન ગત તા. 4 નવેમ્બરની રાત્રે આશરે 9.30 વાગ્યે નીતિનભાઈ પોતાની પુત્રીને સોસાયટીમાં જ રહેતા સાળાના ઘરે સુવડાવી આવ્યા હતા. ત્યારબાદ પત્ની સાથે ઘરને તાળું મારી તેઓ હોસ્પિટલ ખાતે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે તેમના ઉપરના માળે રહેતા કિશનભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો કે તેમના ફ્લેટનો દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી નીતિનભાઈએ અન્ય પાડોશીની મદદથી તેમનો દરવાજો ખોલાવ્યો હતો. આ દરમિયાન તેમના ફ્લેટની આસપાસના અન્ય મકાનો પણ બહારથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ સવારે આશરે 8 વાગ્યે નીતિનભાઈ અને તેમનાં પત્ની હોસ્પિટલથી ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજા પર લગાવેલું તાળું કોઈ ભારે વસ્તુ વડે બળપૂર્વક તોડી નાખવામાં આવ્યું હોવાનું જણાયું હતું. ઘરમાં પ્રવેશ કરતાં તમામ લાઇટો ચાલુ હતી અને બેડરૂમમાં મૂકેલી લોખંડની તિજોરીઓનાં લોક ખુલ્લાં હતાં. બાજુના રૂમમાં આવેલી લાકડાની તિજોરીનું લોક પણ તોડી નાખવામાં આવ્યું હતું. ઘરના તમામ રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ પુત્રીના અભ્યાસ માટે ખરીદેલી ચાર ટેબ્લેટ ગાયબ હોવાનું જણાયું હતું.
ચોરીમાં આશરે 232 ગ્રામ સોનાના દાગીના, જેમાં મંગળસૂત્ર, ચાર સોનાની બંગડીઓ, સોનાનું કડું, બુટ્ટીઓ, વીંટીઓ, ચેઇન, બ્રેસલેટ અને નથડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે 230 ગ્રામ ચાંદીના દાગીના, જેમાં પાયલ, બ્રેસલેટ, સિક્કા, વીંટીઓ અને અન્ય દાગીનાનો સમાવેશ થાય છે, તેની પણ ચોરી થઈ હતી. તસ્કરો ચાર ટેબ્લેટ (એક Samsung, બે Intex અને એક iPad) તેમજ ઘરમાં રાખેલી રૂ.37 હજારની રોકડ રકમ પણ લઈ ગયા હતા. ચોરાયેલા સોનાના દાગીનાની અંદાજિત કિંમત રૂ.10.50 લાખ અને ચાંદીના દાગીનાની કિંમત આશરે રૂ.30 હજાર હોવાનું જણાવાયું છે. આમ, પરિવાર હોસ્પિટલમાં સસરાની સારવાર માટે રોકાયો હતો ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા પર હાથફેરો કર્યો હતો.


