એમ.એસ.યુનિવર્સિટીમાં 17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવાશે, રાજ્ય સરકારની મંજૂરી

પર્યાવરણના બદલાતા સમીકરણો સમજાવવા આધુનિક ટેકનોલોજીનો શૈક્ષણિક ઉપયોગ કરાશે

MailVadodara.com - Climate-Change-Theme-Park-to-be-built-at-MS-University-at-a-cost-of-Rs-17-crore-State-Government-grants-approval

- VR, થ્રીડી અને AI ટેકનોલોજીથી ભૂતકાળથી ભવિષ્ય સુધીના આબોહવા પરિવર્તનોનો અનુભવ કરાવાશે, શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ગેમ્સ પણ તૈયાર કરાશે

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં રૂ.17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવવામાં આવશે. રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને પ્રોજેક્ટ માટે જરૂરી તમામ ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્યની તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ પાસેથી આ અંગે પ્રસ્તાવો મંગાવવામાં આવ્યા હતા, જેમાં એકમાત્ર એમ.એસ.યુનિવર્સિટીના પ્રસ્તાવની પસંદગી કરવામાં આવી છે. થીમ પાર્ક માટે યુનિવર્સિટી દ્વારા જમીન ફાળવવામાં આવશે.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. ભણગે અને રજિસ્ટ્રાર ડો. ચૂડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, થીમ પાર્કનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓમાં ક્લાઈમેટ ચેન્જના કારણે પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારો અંગે જાગૃતિ લાવવાનો છે. આ માટે પાર્કમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR), થ્રીડી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેના માધ્યમથી મુલાકાતીઓને ક્લાઈમેટ ચેન્જની ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યમાં થનારી અસરોનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવશે.

થીમ પાર્કમાં મુલાકાતીઓને ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા ફેરફારો, જળચર સૃષ્ટિ પર તેની અસરો અને કરોડો વર્ષ પહેલાં આબોહવામાં આવેલા પરિવર્તનને કારણે નામશેષ થઈ ગયેલી વિવિધ પ્રજાતિઓ વિશે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત હવામાનમાં થતા ફેરફારોની ખેતી પર કેવી અસર પડી રહી છે તે પણ ટેકનોલોજીના માધ્યમથી સમજાવવામાં આવશે. પ્લાસ્ટિકના વધતા વપરાશથી ફેલાતા પ્રદૂષણ, પ્લાસ્ટિકના પુનઃઉપયોગ (રીયુઝ) અને કાર્બન ફૂટપ્રિન્ટ જેવા વિષયોને પણ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓ માટે ક્લાઈમેટ ચેન્જ આધારિત વિવિધ ગેમ્સ પણ તૈયાર કરવામાં આવશે, જેના થકી મનોરંજનની સાથે પર્યાવરણ અંગેની સમજ પણ વિકસાવી શકાશે.

યુનિવર્સિટીના ક્લાઈમેટ ચેન્જ વિભાગનાં ડાયરેક્ટર અને રાજ્ય સરકારની એડવાઈઝરી પેનલનાં સભ્ય ડો. સંસ્કૃતિ મઝુમદારે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ અંગે શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધનો થાય તે પૂરતું નથી. આ સંશોધનો અને તેના તારણો સમાજ સુધી પહોંચે તે પણ એટલું જ જરૂરી છે. લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ન આવે ત્યાં સુધી સંશોધનોનો વાસ્તવિક હેતુ સિદ્ધ થઈ શકતો નથી. આ વિચાર સાથે જ થીમ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના વિવિધ વિભાગોના અધ્યાપકોની સલાહ અને સહયોગથી તૈયાર કરાયેલા આ પ્રસ્તાવનું ગાંધીનગર ખાતે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. હવે આ થીમ પાર્કના માધ્યમથી સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત અનુભવો દ્વારા ક્લાઈમેટ ચેન્જ અને તેના પર્યાવરણીય પ્રભાવ અંગે માહિતગાર કરવામાં આવશે.

Share :

Leave a Comments