- ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી અને વહીવટકર્તા હોવાની ઓળખ આપી વિશ્વાસ જીત્યો
- પરિવારે ઉઘરાણી કરતા પરત કરેલા 15 લાખ અને 8 લાખના ચેક બાઉન્સ થયા
- ગઈકાલે MGVCLના આસિસ્ટન્ટ લાઇનમેને 9 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી
વડોદરા શહેરમાં સરકારી આવાસ યોજનાના નામે લોકોને છેતરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોરવામાં આવેલી દુકાનો સસ્તામાં અપાવવાની લાલચ આપી ભાજપના નેતા રાકેશ જોષીના પુત્ર સહિત 3 શખ્સોએ 2 મહિલાઓ પાસેથી રૂ.23 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગોરવા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી અને વહીવટકર્તા હોવાની ઓળખ આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્રણ દુકાનોના નોટરી બાનાખત પણ કરી આપ્યા હતા, પરંતુ નાણાં વસૂલ્યા બાદ વેચાણ દસ્તાવેજ કરવાનું ટાળ્યું હતું. છેવટે નાણાં પરત માંગતાં આપેલા રૂ.15 લાખ અને રૂ.8 લાખના ચેક પણ બાઉન્સ થતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.
છાણી જકાતનાકા પાસે રહેતાં રંજનબેન શર્માના પતિ સંજયકુમારની ગાયત્રી સોડા શોપ પર રોહન સોલંકી અવારનવાર આવતો હોવાથી તેમની સાથે ઓળખાણ હતી. આ ઓળખાણનો લાભ લઈ રોહને પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાનો વેચવાની હોવાનું જણાવી ખરીદી માટે પ્રસ્તાવ મૂક્યો હતો. માર્ચ 2025માં રંજનબેન, તેમના પતિ અને ભાભી સુમનબેન સહિત પરિવારજનો રોહનની સુભાનપુરા સ્થિત ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં રોહને કશ્યપ ઉર્ફે રાકેશકુમાર જોષી અને જીલ અશોક બારોટ સાથે મુલાકાત કરાવી હતી. રાકેશકુમાર જોષી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી અને જીલ અશોક બારોટ વહીવટકર્તા હોવાનું જણાવી દુકાનોની સત્તાવાર ફાળવણી કરાવી આપવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ ગોરવા ટીપી-10, એફપી-118 સ્થિત સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં દુકાન નં.22 અને 23 રંજનબેનને તથા દુકાન નં.19 સુમનબેનને બતાવવામાં આવી હતી. એક દુકાનના રૂ.11 લાખ નક્કી કરી રંજનબેને બેંક મારફતે રૂ.11 લાખ અને સુમનબેને રૂ.4 લાખથી વધુની રકમ જીલ બારોટના ખાતામાં જમા કરાવી હતી. તા.13 માર્ચ, 2025ના રોજ ત્રણેય દુકાનોના નોટરી બાનાખત પણ કરી આપવામાં આવ્યા હતા.
આટલેથી ન અટકતાં આરોપીઓએ વહેલા વેચાણ દસ્તાવેજ કરાવી આપવાની લાલચ આપી વધુ નાણાંની માંગણી કરી હતી. જેથી રંજનબેન અને તેમના પરિવારજનોએ રૂ.8 લાખ રોહન સોલંકીને અને રૂ.3 લાખ જીલ બારોટને રોકડા આપ્યા હતા. આમ, ત્રણ દુકાનોના સોદામાં કુલ રૂ.23 લાખ ચૂકવ્યા હોવા છતાં આરોપીઓએ દસ્તાવેજ કરી આપ્યા નહોતા.
પરિવારજનોએ ઉઘરાણી શરૂ કરતાં જીલ બારોટે રૂ.15 લાખનો અને રોહન સોલંકીએ રૂ.8 લાખનો ચેક આપ્યો હતો. જોકે, બંને ચેક બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં રંજનબેન શર્માએ રોહન લક્ષ્મણસિંહ સોલંકી, જીલ અશોક બારોટ અને કશ્યપ ઉર્ફે રાકેશકુમાર જોષી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને ત્રણેની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે એમજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન સાથે રૂ.9.05 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. સુભાનપુરાની ઝાંસી રાણી હાઉસિંગમાં દુકાન નં.2 અપાવવાનું કહી ચાર શખ્સોએ ટુકડે-ટુકડે નાણાં વસૂલ્યા હતા. એટલું જ નહીં, વિશ્વાસ બેસાડવા નોટરી રૂબરૂ બાનાખત કરાવી વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટ અને મહાનગરપાલિકાના સિક્કાવાળી પહોંચ પણ આપી હતી. જોકે, લાંબા સમય સુધી દુકાનનો કબજો નહીં મળતાં તપાસ કરાવતાં દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. આખરે લાઈનમેને ઠગ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનના છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


