જાંબુવા નજીક દારૂના કટિંગ વખતે એલસીબીની રેડ, 53.77 લાખના મુદ્દામાલ સાથે ફરાર આરોપી ઝડપાયો

દવાની બોટલોની આડમાં કન્ટેનર મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

MailVadodara.com - LCB-raids-liquor-offloading-operation-near-Jambuva-suspect-arrested-along-with-seized-goods-worth-53-77-lakh

- હરિયાણાથી લવાયેલી 11,383 દારૂની બોટલો જપ્ત કરાઈ, રિમાન્ડ નામંજૂર થતાં આરોપી જેલભેગો થયો

વડોદરા નજીકથી પસાર થતાં હાઇવે પર જાંબુવા નજીકથી દવાની આડમાં હરિયાણાથી કન્ટેનર ભરીને લાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો એલ.સી.બી.ની ટીમે જપ્ત કર્યો હતો. આ ગુનામાં સામેલ આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

એલ.સી.બી. ઝોન -૩ની ટીમે મળેલી માહિતીના આધારે તરસાલીથી જાંબુવા જવાના રોડ પર માતૃછાયા ગેસ્ટ હાઉસની પાછળ કચરાની ડમ્પીંગ સાઇટની પાછળ ખુલ્લા મેદાનમાં દારૂનો જથ્થો ભરેલા કન્ટેનરમાંથી દારૂના થતા કટિંગ સમયે જ રેડ કરી હતી. પોલીસે દવાની બોટલની આડમાં સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે જૈદમોહંમદ આસુ મોહંમદખાન, ઉં.વ.૩૦ (રહે. ખીલ્લુકા ગામ, તા.હતીન, જિ.પલવલ, હરિયાણા)ને ઝડપી પાડયો હતો.

પોલીસે દારૂની ૧૧,૩૮૩ બોટલ કિંમત રૂપિયા ૩૦.૭૨ લાખ, કન્ટેનર, મોબાઇલ અને ૩ લાખની દવાઓ સહિત ૫૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનારના નામ ખૂલતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગુનામાં નાસતા ફરતા આરોપી આકાશ અશોકભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા ગામ)ને પોલીસે ઝડપી પાડયો છે. આરોપીના રિમાન્ડ નામંજૂર થતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ ૧૦ ગુનાઓ નોંધાયા છે.

Share :

Leave a Comments