મિલકત વેરો ભરવાની મુદ્દતમાં 30 દિવસનો વધારો, બાકીદારોને વ્યાજ અને દંડથી બચવાની વધુ એક તક

વેરા વસૂલાતમાં હાલ સુધી 354.58 કરોડની જંગી આવક સાથે પાલિકાની તિજોરી છલકાઈ

MailVadodara.com - Property-tax-payment-deadline-extended-by-30-days-another-opportunity-for-defaulters-to-avoid-interest-and-penalties

- 3 નવેમ્બર સુધી નાણાકીય વર્ષમાં જંગી આવક નોંધાઈ

- વ્યવસાય વેરો બાકી રાખનાર વેપારીઓ પાસેથી 50 ટકા સુધીનો દંડ વસૂલાશે, મુદ્દત પૂર્ણ થયા બાદ 18% વ્યાજ અને દંડ વસૂલાશે

કરદાતાઓ માટે 30 દિવસ મુદત લંબાવાઈમિલકત વેરાના બિલ ભરવાની નિયત મુદ્દતમાં 30 દિવસનો વધારો કરવાનો નિર્ણય, હાલ સુધીમાં 354.58 કરોડ જેટલી જંગી આવક

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાધારકો માટે વધુ એક રાહત આપવામાં આવી છે. વર્ષ 2026-27ના મિલકત વેરાના બિલ ભરવાની નિયત મુદ્દતમાં વધુ 30 દિવસનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે જેથી મિલકતધારકોએ વધુ નાણાની ચૂકવણી નહીં કરવી પડે. ઉપરાંત નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના પાલિકાને પણ 350 કરોડથી વધુની જંગી આવક થઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવેરાની આવકમાં સતત વધારો થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જેઓનો કરવેરો ભરવાનો બાકી છે તેઓને પણ થોડી રાહત મળે તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેના મિલકત વેરા અને વ્યવસાય વેરા અંગે કરદાતાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ, આ વર્ષે તા. 3 નવેમ્બર સુધીમાં વડોદરા શહેરના જાગૃત કરદાતાઓ તરફથી મિલકત વેરા પેટે કુલ 354.58 કરોડ જેટલી જંગી આવક મહાનગરપાલિકાના તિજોરીમાં જમા થઈ ચૂકી છે, જે પાલિકાની નાણાકીય સ્થિતિ અને નાગરિકોની વેરા ભરપાઈ પ્રત્યેની જવાબદારી દર્શાવે છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ કરદાતાઓને રાહત આપતા જણાવાયું છે કે વર્ષ 2026-27ના મિલકત વેરાના બિલ ભરવાની નિયત મુદ્દતમાં વધુ 30 દિવસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા વડોદરા નગરના નગરજનોને રાહત આપવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી અનેક લોકો પોતાનો નિયત કરવેરો ભરી શકશે અને વ્યાજમાંથી મુક્તિ મેળવી શકશે.

જોકે, આ લંબાવવામાં આવેલી મુદ્દત પૂર્ણ થયા બાદ બાકી રહેતી વેરાની રકમ પર 18% વાર્ષિક દરે વ્યાજ, નોટિસ ફી, દંડ, ફાયર નોટિસ ફી તેમજ શિક્ષણ ઉપકર પેનલ્ટી વગેરે જેવા વધારાના ચાર્જ નિયમાનુસાર વસૂલ કરવામાં આવશે. આથી, વધારાના દંડ અને વ્યાજના બોજથી બચવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને સમયસર મિલકત વેરો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે. જે કરદાતાઓને હજુ સુધી ભૌતિક મિલકત વેરા બિલ મળ્યા ન હોય, તેઓ વડોદરા મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પરથી સરળતાથી પોતાનું વેરા બિલ ડાઉનલોડ કરી શકે છે અથવા પોતાની સંબંધિત વોર્ડ કચેરીનો સંપર્ક કરીને મેળવી શકે છે.

બીજી તરફ, વડોદરા શહેરના સીમાડા વિસ્તારમાં ધંધો-રોજગાર કરતા વ્યવસાયકારો માટે પણ વ્યવસાય વેરો સમયસર ભરવા કડક સૂચના આપવામાં આવી છે. PEC ખાતા ધરાવતા વ્યવસાયકારો માટે વ્યવસાય વેરો ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 હતી. આ છેલ્લી તારીખ વીતી ગઈ હોવાથી બાકી નીકળતી રકમ પર નિયમ મુજબ 12 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે. વધુમાં, ચાલુ નવેમ્બર માસથી વ્યાજની સાથે-સાથે મૂળ રકમ પર 50 ટકા સુધીનો દંડ પણ વસૂલવાપાત્ર બનશે.

આ જ નિયમ અને દંડ PRC ખાતા ધરાવતા વ્યવસાયકારોને પણ એકસરખી રીતે લાગુ પડે છે. આથી, મહાનગરપાલિકા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે કે જે વ્યવસાયકારોનો વ્યવસાય વેરો ભરવાનો બાકી હોય, તેઓએ વધારાના દંડ અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે વહેલી તકે પોતાના બાકી લેણાંની ભરપાઈ કરી દેવી.

Share :

Leave a Comments