- પંચમહાલ જિલ્લાના મોરવા હડફથી સંતરામપુર તરફ જતા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો
- ડોળી ગામના રહેવાસી કલ્પેશ, ઉમેશ અને નિર્મલ રજાતે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો
પંચમહાલ જિલ્લાના મોરવાહડફના અગરવાડા ગામ પાસે ઈકો કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર સંતરામપુર તાલુકાના ડોળી ગામના ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

મોરવા હડફથી સંતરામપુર તરફ જતા હાઇવે પર આવેલા અગરવાડા ગામ પાસે ઇકો કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરના કારણે એક્ટિવા પર સવાર ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય મૃતક યુવાનો સંતરામપુર તાલુકાના ડોળી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવાર ટાણે એકસાથે ત્રણ આશાસ્પદ યુવાનોના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ડોળી ગામમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. અકસ્માતના બનાવની જાણ થતાં જ મોરવા હડફ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણે એક જ પરિવારના સભ્યો છે જેમના નામ કલ્પેશ નવલ રજાત (ઉં.વ.૨૫), ઉમેશ રતન રજાત (ઉં.વ.૨૩) અને નિર્મલ રમણ રજાત (ઉં.વ.૨૨) જાણવા મળ્યું છે.


