આજે લાભપાંચમથી વડોદરા શહેરના નાના-મોટા બજારો સહિત નવા વેપાર-ધંધાની શુભ શરૂઆત થઈ

ડિજિટલ માધ્યમ સાથે પરંપરાગત ચોપડા પૂજનની પ્રથા વેપારીઓએ જાળવી

MailVadodara.com - Today-on-Labh-Pancham-new-business-ventures-including-those-in-various-markets-across-the-city-of-Vadodara-got-off-to-an-auspicious-start

- લગ્નસરાની ખરીદી માટે પરિવારો કપડાં અને સોના-ચાંદીની દુકાનોએ ઉમટ્યા

- બિલ્ડરોએ નવી કન્સ્ટ્રક્શન સાઇટોના ખાતમુહૂર્ત કર્યા અને ગ્રાહકોએ વાહનો-ઇલેક્ટ્રોનિક્સની ખરીદી કરી

દિવાળી પર્વના પાંચ દિવસના વેકેશન બાદ આજે લાભપાંચમના પાવન દિવસે વડોદરા શહેરના નાના-મોટા બજારો સહિત નવા વેપાર-ધંધાની શુભ શરૂઆત થઈ છે. શહેરના વેપારીઓએ નૂતન વર્ષ વિક્રમ સંવત 2083 લાભદાયી નીવડે તેવી કામના સાથે પોતાના વ્યવસાયના સ્થળોએ પૂજા-અર્ચના કરીને મુહૂર્તના સોદા કર્યા હતા. બજારો ખુલતાની સાથે જ ગઈકાલ સુધી સૂમસામ ભાસતા શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં ફરી એકવાર ભારે ચહલપહલ જોવા મળી હતી.

લાભપાંચમના શુભ મુહૂર્તમાં બિલ્ડરો દ્વારા નવી કન્સ્ટ્રક્શન સાઇટોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જ્યારે નાગરિકોએ નવા વાહનો અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. આગામી લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખીને પરિવારો કપડાં અને સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાથીખાના બજારથી લઈને શોપિંગ મૉલ્સ સુધી ગ્રાહકોની ભીડ જોવા મળી હતી, જ્યારે દુકાનોના શણગાર માટે ફૂલ બજારમાં પણ ભારે ધસારો રહ્યો હતો. કેટલાક વેપારીઓ મુહૂર્તના સોદા કરીને પરિવાર સાથે ફરવા નીકળી પડ્યા હતા.

વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશન અને કેટ (CAIT) ગુજરાતના પ્રેસિડન્ટ પરેશ પરીખે સમગ્ર ગુજરાતના વેપારીઓને સંવત 2083ની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, કોમ્પ્યુટરના આધુનિક યુગમાં પણ વેપારીઓ ડિજિટલ માધ્યમ અને પરંપરાગત ચોપડા બંનેનું પૂજન કરે છે. આજે ચોપડામાં 'શ્રી લાભ ખાતે જમા' અને 'શ્રી લાભ ખાતે ઉધાર' લખીને મિતી દોરવાની પરંપરા નિભાવવામાં આવી હતી. આ ઉપરાંત જ્ઞાન પાંચમના પર્વ નિમિત્તે તેમણે સૌ નાગરિકો પર મા સરસ્વતીની કૃપા બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Share :

Leave a Comments