ગોરવા BIDCના વેપારી પાસેથી તમિલનાડુના વેપારીએ સોડિયમ નાઈટ્રેટ મંગાવી 4.11 લાખ ન ચૂકવતા ફરિયાદ

વર્ષોથી વેપારી સંબંધો કેળવી માલ મેળવ્યો, પેમેન્ટના નામે વાયદા કરી રકમ અટકાવી

MailVadodara.com - Complaint-filed-after-a-trader-from-Tamil-Nadu-ordered-sodium-nitrate-from-a-Gorwa-BIDC-based-trader-but-failed-to-pay-Rs-4-11-lakh

- 15 દિવસમાં સંપૂર્ણ ચુકવણીની ખાતરી આપી રૂ.4.36 લાખનો માલ મેળવ્યો

- માત્ર રૂ.25 હજાર ચૂકવતાં પ્રકાશ કેમિકલ્સ એજન્સીસ પ્રા.લિ. દિલીપકુમાર શાહની ગોરવા પોલીસમાં ફરિયાદ

વેપારમાં વિશ્વાસ કેળવી લાખોનો માલ મંગાવ્યા બાદ પેમેન્ટ આપવાના સમયે હાથ ઊંચા કરી વડોદરાના વૃદ્ધ વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી છે. ગોરવા BIDC સ્થિત કેમિકલ કંપનીના 70 વર્ષીય વેપારી પાસેથી તમિલનાડુના વેપારીએ 5 હજાર કિલો સોડિયમ નાઈટ્રેટનો માલ મંગાવ્યો હતો. 15 દિવસમાં પૂરેપૂરું પેમેન્ટ કરી દેવાની ખાતરી આપીને રૂ.4.36 લાખનો માલ મેળવી લીધો હતો. જોકે, લાંબા સમય સુધી ઉઘરાણી કરવા છતાં વેપારીએ માત્ર રૂ.25 હજાર ચૂકવી બાકીના રૂ.4.11 લાખ નહીં ચૂકવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ગોરવા BIDCના કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્રકાશ કેમિકલ્સ એજન્સીસ પ્રા.લિ. ધરાવતા 70 વર્ષીય દિલીપકુમાર શાહ કેમિકલનો વેપાર કરે છે. તેમની કંપની પાસેથી તમિલનાડુના સેલમ ખાતે શિવાશક્તિ ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝીવ પ્રા.લિ.ના પ્રોપરાઇટર કે. શુભ્રમણ્યન વર્ષ 2021થી કેમિકલ ખરીદતા હતા. જૂન 2023માં સુબ્રમણ્યને 5 હજાર કિલો સોડિયમ નાઈટ્રેટનો ઓર્ડર આપ્યો હતો. પ્રતિ કિલો રૂ.73ના ભાવે સોદો નક્કી થયા બાદ 8 જૂને પરચેઝ ઓર્ડર આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ દિલીપભાઈએ 13 જૂનના રોજ GST સહિત રૂ.4,36,600નું બિલ બનાવી વાહન મારફતે બાલાજી ટ્રાન્સપોર્ટ દ્વારા તમિલનાડુ માલ રવાના કર્યો હતો. માલ મળ્યાના 15 દિવસમાં પેમેન્ટ કરી દેવાની ખાતરી હોવાથી વેપારીએ વિશ્વાસ રાખ્યો હતો. પરંતુ સમય વીતી જવા છતાં નાણાં નહીં મળતાં ઉઘરાણી શરૂ કરી હતી. ફોન, ઇ-મેઇલ અને કાનૂની નોટિસ આપવા છતાં આરોપી પેમેન્ટ માટે વાયદા કરતો રહ્યો હતો.

આખરે આરોપીએ રૂ.4.36 લાખ પૈકી માત્ર રૂ.25 હજાર ચૂકવી બાકીના રૂ.4.11 લાખ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હોય વૃદ્ધ વેપારીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે .

Share :

Leave a Comments