- પ્રતાપનગરમાં બંધ મકાનમાંથી રૂ.1.68 લાખના દાગીના અને રોકડની ચોરી
- જાંબુવા બાયપાસની લારીમાંથી બે ગેસ બોટલ અને બેટરીની ઉઠાંતરી થઈ
ભાભીના મરણ પ્રસંગે વિધિ માટે ગયેલા જી.ઇ.બી.ના નિવૃત્ત મહિલા કર્મચારીના ઘરમાંથી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા મળી ૫.૬૨ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યુ વી.આઇ.પી. રોડ ગોરાના પાર્ક સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષના જયશ્રીબેન ઇજ્જતરામ મહંત જી.ઇ.બી.માં નોકરી કરતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમના મકાનના ઉપરના માળે રાજુભાઇ ભાડે રહે છે. જયશ્રીબેનના ભાભીને હાલોલ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થતા જયશ્રીબેન ભાભીના ઘરે આજવારોડ સેવાકુંજ સોસાયટીમાં ગયા હતા અને અંતિમ વિધિ સુધી ત્યાં જ રોકાયા હતા. જ્યારે તેમનો ભાડૂત દિવાળીના તહેવારમાં વતન મહીસાગર ખાતે ગયા હતા. તે દરમિયાન જયશ્રીબેનના ઘરમાંથી ચોર ટોળકી સોનાના દાગીના તથા રોકડા ૩૦ હજાર મળીને કુલ ૫.૬૨ લાખની મતા ચોરી ગઇ હતી.
પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ જી.એમ. હકીમની ચાલીમાં રહેતા કપિલાબેન નવઘણભાઇ વસાવા બંગલાઓમાં કામ કરે છે. તેમનો પુત્ર અકોટાની કાપડની દુકાનમાં નોકરી કરે છે. તેમના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી ઘરમાંથી સોના - ચાંદીના દાગીના તથા રોકડા મળીને કુલ ૧,૬૮ લાખની મતા ચોરી ગઇ હતી. જાંબુવા બાયપાસ પાસે વુડાના મકાનમાં રહેતા અનિતા અશોકભાઇ વણજારા નાસ્તાની લારી ચલાવે છે. તેમની લારી પરથી ચોર ગેસના બે બોટલ અને બેટરી મળી કુલ ૧૦ હજારની મતા ચોરી ગયા હતા.


