દિવાળીમાં ફટાકડા જાહેરનામાનો ભંગ અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ બદલ પોલીસની કાર્યવાહી, 118 કેસ નોંધાયા

તહેવારોમાં નિયમભંગ કરનારાઓ સામે વડોદરા શહેર પોલીસનું કડક અભિયાન

MailVadodara.com - Violation-of-crackers-declaration-and-drink-and-drive-in-Diwali-police-action-118-cases-registered

- 1થી 15 નવેમ્બર દરમિયાન બ્રેથ એનલાઇઝરથી વાહનચાલકોનું ચેકિંગ કરાયું

- પ્રતિબંધિત ફટાકડાના વેચાણ અને જોખમી આતશબાજી સામે પણ પગલાં લેવાયાં

દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 1થી 15 નવેમ્બર દરમિયાન ચાલેલી આ ઝુંબેશમાં ફટાકડા જાહેરનામાનો ભંગ કરનાર સામે 37 કેસ અને નશાની હાલતમાં વાહન ચલાવનાર સામે 81 કેસ નોંધી પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

પોલીસ કમિશનર દ્વારા 30 ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલા ફટાકડા ફોડવા અને વેચાણ અંગેના જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. નિર્ધારિત સમયમર્યાદા બાદ ફટાકડા ફોડવા, પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ કરવા તેમજ જાહેર માર્ગો પર જોખમી રીતે ફટાકડા ફોડીને લોકોની સલામતી જોખમમાં મૂકનાર સામે 37 કેસ નોંધાયા હતા. જેમાં એ ડિવિઝનમાં 5, બી ડિવિઝનમાં 3, સી ડિવિઝનમાં 1, ડી ડિવિઝનમાં 6, ઇ ડિવિઝનમાં 10, એફ ડિવિઝનમાં 11 અને જી ડિવિઝનમાં 1 કેસ નોંધાયો હતો.

બીજી તરફ દિવાળીના તહેવારો દરમિયાન દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે પણ પોલીસે લાલ આંખ કરી હતી. શહેરના મુખ્ય ચાર રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નશાની હાલતમાં વાહન ચલાવી પોતાનો અને અન્ય નાગરિકોનો જીવ જોખમમાં મૂકનારા વાહનચાલકો સામે એમ.વી. એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 81 કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાહનો ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

ડિવિઝન મુજબ જોઈએ તો એ ડિવિઝનમાં 11, બીમાં 4, સીમાં 10, ડીમાં 15, ઇમાં 23, એફમાં 10 અને જી ડિવિઝનમાં 6 કેસ નોંધાયા હતા. આમ, દિવાળીના 15 દિવસ દરમિયાન ફટાકડા જાહેરનામાના ભંગ અને ડ્રંક એન્ડ ડ્રાઇવના 118 કેસ નોંધી પોલીસે તહેવારોમાં નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું હતું.

Share :

Leave a Comments