નંદેસરી GIDCની ફાર્માસ્યુટિકલ કંપનીમાં યુવકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર, તપાસની માંગ

આણંદના યુવકના મોતથી કામદારોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા

MailVadodara.com - Youth-dies-at-a-pharmaceutical-company-in-Nandesari-GIDC-family-refuses-to-accept-the-body-and-demands-an-investigation

- આણંદ જિલ્લાના ભેટાસી ગામના પરમાર વિક્રમસિંહના મૃતદેહનો સ્વીકારવાનો પરિવારનો ઇનકાર

- યોગ્ય વળતર નહીં મળે તો કંપનીના ગેટ પર વિરોધ કરવાની ચીમકી

વડોદરાના નંદેસરી GIDC વિસ્તારમાં આવેલી ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક આશાસ્પદ યુવકનું અગમ્ય કારણોસર કરુણ મોત નીપજ્યું છે. આણંદ જિલ્લાના ભેટાસી ગામના રહેવાસી પરમાર વિક્રમસિંહ જયંતીભાઈનું કંપનીમાં મોત થતાં પરિવારજનો સહિત સ્થાનિકોમાં શોકની લાગણી સાથે રોષ ફેલાયો હતો. ગેસના કારણે મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે.

યુવકના મોતના સમાચાર મળતાં પરિવારજનો, સ્થાનિક આગેવાનો અને મિત્રો મોટી સંખ્યામાં વડોદરાની SSG હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દરમિયાન કંપનીમાં બનેલી આ ઘટનાને લઈને પરિવારજનોએ કંપની પાસેથી યોગ્ય વળતર આપવાની માંગ ઉઠાવી હતી. યુવકના મોત મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

આ મામલે યુવકના પરિવારને ન્યાય અપાવવા કરણીસેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર પણ SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે કંપની સામે રજૂઆત કરી હતી. જો કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં નહીં આવે યુવકના મૃતદેહ સાથે કંપનીના ગેટ પર પહોંચીને ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત યોગ્ય વળતરની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કંપનીમાં બનેલી આ દુઃખદ ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરી મોતનું ચોક્કસ કારણ બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

આ ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા અને સેફ્ટીનાં સાધનોની ઉપલબ્ધતા અંગે પણ સવાલો ઊભા થયા છે. કામદારોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments