- સ્વયંસેવકોની ટીમે સ્થળ પર પહોંચીને સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી
- મગરને કોઈ નુકસાન વિના કુદરતી રહેઠાણ વિસ્તારમાં સુરક્ષિત મુક્ત કરાયો
વડોદરાના જાંબુવા વિસ્તારમાં ગોકુલ ડુપ્લેક્સ સોસાયટી નજીક 12 ફૂટ જેટલો વિશાળ મગર આવી ચઢતાં સ્થાનિકોમાં ચકચાર મચી હતી. સોસાયટીના પાછળના ગેટ પાસે આવેલા રસ્તા પર મગર જોવા મળતાં સ્થાનિકોએ સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રસ્ટની રેસ્ક્યૂ ટીમે સ્થળ પર પહોંચી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જાંબુવા સ્થિત ગોકુલ ડુપ્લેક્સમાંથી ફોન આવ્યો હતો. જેમાં સોસાયટીના પાછળના ગેટ પાસેના રસ્તા પર વિશાળ મગર આવી ગયો હોવાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર તપાસ દરમિયાન આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરનું કદ જોતાં સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્યારબાદ ટ્રસ્ટની ટીમ દ્વારા વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના સહયોગથી અને અધિકારીની હાજરીમાં મગરને કોઈ નુકસાન ન પહોંચે તેમજ આસપાસના લોકોની સુરક્ષા જળવાઈ રહે તે રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ મગરને વન વિભાગના માર્ગદર્શન હેઠળ નજીકના યોગ્ય કુદરતી રહેઠાણ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.


