- ફરિયાદીની રજૂઆત બાદ ACBએ 17 નવેમ્બરે છટકું ગોઠવ્યું
- PSIની ચેમ્બરમાં જ લાંચની સંપૂર્ણ રકમ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકતા પંડ્યા ACBના છટકામાં ઝડપાઈ ગયાં
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન મેળવી હાજર થવા આવેલા વ્યક્તિનો મોબાઈલ ફોન પરત આપવા માટે જ 20 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકતા પંડ્યા ACBના છટકામાં રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયાં છે. ACBએ લાંચની માંગણી અને સ્વીકારેલી પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ACBમાં નોંધાયેલી વિગતો મુજબ, એક જાગૃત નાગરિક વિરુદ્ધ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ PSI એકતા પંડ્યા કરી રહ્યાં હતાં. આ દરમિયાન ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી. આ સમયે PSI એકતા પંડ્યાએ ફરિયાદીનો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને મોબાઈલ પરત મેળવવો હોય તો 20 હજાર રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું.
લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે 17 નવેમ્બરના રોજ ACBએ છટકાનું આયોજન કર્યું હતું. ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં PSIની ચેમ્બરમાં ગોઠવાયેલા છટકા દરમિયાન એકતા પંડ્યાએ ફરિયાદી પાસે રૂ.20 હજારની લાંચની માંગણી કરી રકમ સ્વીકારી હતી. આ સાથે જ ACBની ટીમે તેમને ઝડપી પાડ્યાં હતાં અને લાંચની સંપૂર્ણ રૂ.20 હજારની રકમ કબજે કરી હતી. આ ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારેલ, છોટાઉદેપુર ACB પોલીસ સ્ટેશન તથા તેમની ટીમે કરી હતી.


